ઇન્ડિયન રેલ્વે હવે ઝડપથી રફ્તાર પકડવાની તૈયારીમાં છે. એક જૂનથી 200 ટ્રેન શરૂ થશે. ટિકિટ બુકિંગ માટે શુક્રવારથી જ કાઉન્ટર ખુલી ગયા છે. કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે શ્રમિકો અને પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં રેલ્વે મંત્રાલય મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે.
રેલ્વે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને કોઇ મુશ્કેલીઓ વેઠવી ન પડે તેનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. મુસાફરોને રાહત આપવાના સતત કરવામાં આવતા પ્રયત્નો વચ્ચે રેલવે મંત્રાલયે આગામી 10 દિવસમાં વધુ 2600 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ્વેએ 1મેથી સમગ્ર દેશમાં 2600 શ્રમિક સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કર્યુ છે. જેના દ્વારા દેશભરમાં 45 લાખથી વધારે લોકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે આગામી 10 દિવસમાં 2600 વધારે ટ્રેનના સંચાલનની યોજના બનાવવામાં આવી છે.
રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે શનિવારે કહ્યુ કે અમે બીજા રાજ્યોમાં ફંસાયેલા પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે મોકલવા માટે 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની શરૂઆત કરી હતી, અત્યાર સુધીમાં 2600 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે. યાદવે રેલવેના ભવિષ્યની યોજના પર કહ્યુ કે રાજ્ય સરકારો સાથે રેલ્વેએ આગામી 10 દિવસ માટેની એક યોજના તૈયાર કરવામાં આવી છે. આગામી 10 દિવસોમાં 2600 ટ્રેનનું સંચાલન કરવામાં આવશે અને 36 લાખથી વધારે મુસાફરોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
તેમણે કહ્યુ કે અમે રાજ્ય સરકારની વિનંતી પર ટ્રેનની વ્યવસ્થા કરાશે કારણ કે અમારી ટ્રેન દરેક ડિવીઝનમાં રાખવામાં આવી છે. અમે રાજ્યોમાં ટ્રેન ચલાવવા માટે તૈયાર છીએ. જ્યાં સુધી તમામ મજૂરો પોતાના ઘર સુધી પહોંચી ન જાય ત્યાં સુધી ટ્રેન સેવા ચાલતી રહેશે.
ઓનલાઇન ટિકિટ બુકિંગ દરમિયાન ઉદ્દભવતી મુશ્કેલીઓ સંબંધિત ફરિયાદ વિશે યાદવે કહ્યુ કે તેમને ફરિયાદ મળી છે કે લોકોને ઓનલાઇન ટિકિટ બુકિંગમાં મુશ્કેલીઓ આવી રહી છે. એટલા માટે દેશભરમાં 1000થી વધારે ટિકિટ બુકિંગ વિન્ડોઝ ખોલવામાં આવી છે. આગામી દિવસોમાં બીજા ટિકિટ કાઉન્ટર્સ પણ ખુલી જશે. આ સાથે જ IRCTC એજન્ટ, પોસ્ટ ઓફિસ, કોમન સર્વિસ સેન્ટર્સ વગેરેને પણ ટિકિટ ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે. આ પહેલા માત્ર રેલ્વેની સત્તાવાર વેબસાઇટ અને એપ દ્વારા જ ટિકિટ બુકિંગની પરવાનગી હતી.
રેલ્વેના નવા નિયમ અનુસાર આ ટ્રેનમાં હવે 7 દિવસ પહેલાની જગ્યાએ 30 દિવસ પહેલા ટિકિટ બુકિંગ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રેલ્વેએ સ્પેશિયલ એસી ટ્રેન માટે બુકિંગની સમય મર્યાદા 7 દિવસથી વધારીને હવે 30 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ 15 જોડી વિશેષ એસી ટ્રેનમાં આરએસી અથવા વેટિંગ લિસ્ટ ટિકિટ પણ જાહેર કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.