સૌરાષ્ટ્ર-કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે આજે રવિવારે સવારે અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં નાનું વરસાદી ઝાપટું પડ્યું હતું. તો ગઇકાલે કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
શનિવારે રાપર, ભચાઉ અને ભુજ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ક્યાંક કરા પણ પડ્યા હતા. બપોર બાદ કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા હતા.
બપોરે ગાજવીજ સાથે 1થી દોઢ ઇંચ વરસાદ પડતા શેરીઓમાં પાણી વહી નિકળ્યા હતા. ઢોરીમાં પણ ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઉગમણી બન્નીના લાખોબો, બેરડો, રૈયાડો, ઉમેદપર સહિતના ગામોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો.
રાપરમાં ભારે ઉકળાટ બાદ બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. માલી ચોક, સલારી નાકા, આથમણા નાકા વિસ્તારમા પાણી વહી નીકળ્યા હતાં. બજાર સમિતિ અને ખેતરોમા તૈયાર પાકમા નુકસાનીની ભીતિ ખેડૂતો અને વેપારીઓએ વ્યક્ત કરી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.