અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી…

આજે ફરી એકવખત ઈન્ડિગો ફ્લાઈટને ધમકી મળી હતી. બોમ્બ હોવાની ધમકી મળતાં બુધવારે મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું કે આ એક અફવા છે.

છેલ્લા બે દિવસથી અલગ અલગ ફ્લાઈટને ધમકીઓ મળી રહી છે. જેના પગલે હડકંપ મચી જવા પામ્યો છે. આજે ફરી એકવખત ઈન્ડિગો ફ્લાઈટને ધમકી મળી હતી. બોમ્બ હોવાની ધમકી મળતાં બુધવારે મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું કે આ એક અફવા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનને અલગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સંપૂર્ણ તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું અને વિમાન બુધવારે સવારે દિલ્હી માટે રવાના થયું હતું. હાલમાં જ બોમ્બ હોવાની ઘણી ખબરો સામે આવી છે.

મળતી માહિતી મુજબ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે રાત્રે મુંબઈથી ફ્લાઈટ ટેકઓફ થયા પછી તરત જ એક અજાણ્યા વ્યક્તિએ ટ્વીટ દ્વારા દાવો કર્યો કે પ્લેનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જેમાં લગભગ 200 મુસાફરો હતા. મુંબઈ એટીસી દ્વારા ચેતવણી આપવામાં આવ્યા બાદ, પાઈલટોએ અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

આખી રાત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી

ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ લગભગ 200 મુસાફરો અને ક્રૂને લઈ જતા વિમાનની સુરક્ષા એજન્સીઓ દ્વારા આખી રાત સઘન તપાસ કરવામાં આવી હતી. જો કે, કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. સુરક્ષાકર્મીઓ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ વિમાને આજે સવારે 8 વાગે દિલ્હી માટે ઉડાન ભરી હતી. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટ 6E 651ને સુરક્ષા ચેતવણીના કારણે અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

ઈન્ડિગોએ કહ્યું કે આ પરિસ્થિતિને કારણે અમારા મુસાફરોને થયેલી કોઈપણ અસુવિધા બદલ અમને ખેદ છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી ફ્લાઇટ્સ પર બોમ્બની ધમકીઓ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોમ્બની ધમકી બાદ બુધવારે બપોરે બેંગલુરુ જતી આકાશ એરની ફ્લાઈટ નવી દિલ્હી પરત ફરી હતી. સોમવારે મુંબઈથી ઉપડતી ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી.

ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને નવી દિલ્હી તરફ વાળવામાં આવી હતી અને તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી, જ્યારે ઈન્ડિગો દ્વારા સંચાલિત અન્ય બે ફ્લાઈટ કેટલાક કલાકો સુધી મોડી પડી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈપણ વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવારે બોમ્બની ધમકી બાદ એર ઈન્ડિયાની દિલ્હીથી શિકાગોની ફ્લાઈટમાં 211 લોકો સવાર હતા અને તેને કેનેડાના એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. એર ઈન્ડિયાની દિલ્હી-શિકાગો ફ્લાઈટ સિવાય મંગળવારે અન્ય છ ભારતીય ફ્લાઈટ્સને સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા બોમ્બની ધમકીના મેસેજ મળ્યા હતા.

સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર પ્લેન સુરક્ષિત રીતે ઉતરે તે પહેલાં સિંગાપોર સશસ્ત્ર દળોએ મંગળવારે બોમ્બની ધમકી બાદ વસ્તીવાળા વિસ્તારોમાંથી દૂર એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનને એસ્કોર્ટ કરવા માટે બે ફાઇટર જેટ રવાના કર્યા હતા. મદુરાઈથી સિંગાપોર જતી ફ્લાઈટ IX 684 ઓપરેટ કરતી એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટને બોમ્બની ધમકી મળી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.