ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ સત્તાના મદમાં કેવા છાકટાં થઈ જાય છે અને હાઈકોર્ટ સુદ્ધાંના આદેશને ફંગોળી કોઈની પણ સાથે ક્રૂરતા આચરવામાં ખચકાતાં નથી તે વાતનો વધુ એક પુરાવો ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દર્શનસિંહ બારડે આપ્યો હતો.
છેતરપિંડીના એક કેસમાં પોતાના અરજદારનું પોલીસ નિવેદન લેવા વકીલને સાથે રાખવાના હાઈકોર્ટના હુકમ સાથે એક વકીલ યુવકને લઈ જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા, ત્યારે કોઈક વાતે દલીલ થતાં જ દર્શનસિંહે વકીલ અને યુવકના મોબાઈલ બહાર મૂકાવી એક રૂમમાં બંધ કરી દીધાં. આટલું જ નહીં, બેરહેમીથી બંનેને ફટકાર્યા હોવાની ઘટના સામે આવી છે.અને આ અંગે પોલીસ કંટ્રોલમાં મેસેજ થતાં ઉચ્ચ અધિકારીએ PIને ભયંકર ખખડાવ્યા અને છેવટે દર્શનસિંહે આ વકીલની માફી માંગી સમાધાન કરી લીધું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, થોડા સમય પહેલા ક્રાઇમ બ્રાન્ચમાં એક છેતરપિંડીના કેસમાં હાઇકોર્ટે યુવકના નિવેદન સમયે વકીલને હાજર રહેવા આદેશ કર્યો હતો. જેથી મંગળવારે યુવક સાથે વકીલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગયા હતા. આ દરમ્યાન પીઆઇ દર્શનસિંહ બારડે વકીલનો મોબાઇલ ઓફિસની બહાર મૂકાવ્યો હતો.અને બીજી તરફ અરજદારના નિવેદન વખતે વકીલ હાજર રહેતા પીઆઇએ તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન પીઆઇએ તેના સ્ટાફને કહ્યુ કે, વકીલ વધારે ડાહ્યા થાય છે તમે દરવાજો બંધ કરો સર્વિસ કરવી પડશે તેમ કહીને વકીલના અરજદારને ફટકાર્યો હતો. અને જે બાદ પીઆઇ બારડે વકીલ સાથે ધક્કામુક્કી કરીને બબાલ કરી હતી. પીઆઇ બારડની ગુંડાગીરીને પગલે વકીલે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો. જેના પગલે ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓએ પીઆઇને ઠપકો આપીને જાતે જ મામલો પૂર્ણ કરી દેવા આદેશ કર્યો હતો. આથી પીઆઇ દર્શનસિંહ બારડે વકીલ અને તેના અરજદાર સાથે માંફી માંગીને સમાધાન કર્યુ હતુ .
મહત્વનું છે કે, પીઆઇ દર્શનસિંહ બારડ અવાર નવાર પોલીસકર્મીઓ, આરોપીઓ પર ઉશ્કેરાઇ જઇને બિભત્સ શબ્દો પણ બોલે છે.અને તેમના ડરથી પોલીસ કે આરોપીઓ પીઆઇ સામે ફરિયાદ કરતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.