AIIMSના ડિરેક્ટરનું સ્ફોટક નિવેદનઃ જૂન-જુલાઈમાં કોરોના વાયરસ પીક પર પહોંચશે

  1. કોરોના ફેલાવામાં અન્ય પરિબળો પણ ભાગ ભજવી રહ્યા છે જેની અસર સમય આવ્યે બહાર આવશે

એઈમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ દેશમાં કોવિડ-19ના પ્રસારને લઈ ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે જૂન અને જુલાઈ મહીનામાં દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી શકે છે. તેમણે જણાવ્યું કે, ડેટા પ્રમાણે કોરોના વાયરસના સંક્રમણની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે હિસાબથી જૂન અને જુલાઈ મહીનામાં આ મહામારી પોતાના ઉચ્ચ શિખર પર પહોંચી શકે છે.

ગુલેરિયાના કહેવા પ્રમાણે આ મહામારીના ફેલાવામાં અન્ય પરિબળો પણ ભાગ ભજવી રહ્યા છે અને સમય આવ્યે જ તેની કેટલી અસર થશે તે બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયત્નશીલ છે. આ ઉપરાંત મહામારી પર અંકુશ મુકવા સોશિયલ ડિસ્ટેન્સિંગ પર પણ ભાર મુકાઈ રહ્યો છે.

ગત 25મી માર્ચથી દેશમાં લોકડાઉન ચાલે છે અને તેના કારણે સરકારને કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવામાં સફળતા મળી છે. જો કે, આ સમય દરમિયાન આર્થિક ગતિવિધિઓ બંધ પડી ગઈ હોવાથી અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર પડી શકે છે. હાલ કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરીને દેશને ગ્રીન, ઓરેન્જ અને રેડ એમ અલગ-અલગ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ત્રણેય ઝોન માટે વિભિન્ન ગાઈડલાઈન અને છૂટ આપવામાં આવેલી છે.

વિવિધ રાજ્યોમાં લોકડાઉનના નવા દિશા-નિર્દેશોના આધારે કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાનગી કંપનીઓને પણ અમુક શરતો સાથે પોતાનો કારોબાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. સરકાર અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા પૂરજોશમાં પ્રયત્ન કરી રહી છે અને સાથે જ વિવિધ ક્ષેત્રોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

તે સિવાય સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે ગુરૂવારથી અભિયાન શરૂ કર્યું છે. તે અંતર્ગત પ્રથમ સાત દિવસમાં 13 દેશોમાંથી આશરે 15,000 લોકોને વિમાન દ્વારા ભારત પરત લાવવાની યોજના છે. સાઉદી અરેબિયા સહિતના ખાડી દેશોમાંથી યુદ્ધ જહાજ મારફતે ભારતીયોને લાવવામાં આવશે અને નૌસેનાનું જલશ્વ યુદ્ધ જહાજ ગુરૂવારે માલદીવ પહોંચી ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.