રિલાયન્સ જીયોએ દૂરસંચાર મંત્રી રવિ શંકર પ્રસાદને પત્ર લખીને કહ્યું છે કે, એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ ( એજીઆર ) મામલામાં સરકારી લેણાના ચૂકવણામાં જો ભારતી એરટેલ અને વોડાફોન – આઇડીયાને રાહત આપવામાં આવશે તો તે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન હશે. આ ગોટાળા કરતી કંપનીઓ માટે ખરાબ ઉદાહરણ પણ સાબિત થશે. જીયોએ 1 નવેમ્બરના આ પત્રની જાણકારી રવિવારે આપી હતી. સુપ્રીમ કોર્ટે નોન ટેલીકોમ રેવન્યુને પણ એજીઆરનો જ ભાગ હોવાના ટેલિફોન વિભાગના દાવાને માન્ય રાખીને ટેલિકોમ કંપનીઓને ટેલિફોન વિભાગને તેના નીકળતા લેણા ચૂકવવાનો આદેશ 24 ઓક્ટોબરે કર્યો હતો. એરટેલ અને વોડાફોન – આઇડીયાએ ટેલીકોમ સેક્ટરના સંઘ સીઓએઆઇ દ્વારા ચૂકવણામાં રાહત આપવાની અપીલ કરી છે. ટેલિકોમ કંપનીઓએ એજીઆરના 3 ટકા સ્પેક્ટ્રમ ફીસ અને 8 ટકા લાયસન્સ ફીસરૂપે સરકારને આપવાની હોય છે. સુપ્રીમ કોર્ટેના નિર્ણય પહેલા કંપનીઓ એજીઆરની ગણતરીમાં નોન ટેલિકોમ રેવન્યુને સામેલ કરતી ન હતી. આવુ આ કંપનીઓ છેલ્લા 14 વર્ષથી કરતી હતી. કોર્ટના આદેશ પ્રમાણે આ કંપનીઓએ સરકારને 1.04 લાખ કરોડ રૂપિયા ચૂકવવાના થાય છે. જેમાં સૌથી વધુ ભારતી એરટેલે 42 હજાર કરોડ અને વોડાફોન – આઇડીયાએ 40 હજાર કરોડ ચૂકવવાના પડે તેવુ અનુમાન છે. આ કંપનીઓએ અપીલ કરી છે કે, પાછલા વર્ષોના ચૂકવણામાં કોઇ લાભ નહીં મળે તો કઇ નહીં પરંતુ દંડ અને વ્યાજમાં રાહત આપવી જોઇએ. તેની સામે જીયોએ કહ્યું છે કે, ટેલિકોમ કંપનીઓ પાસે સરકારી દેવુ ચૂકવવા માટે પૂરતા સાધનો છે. ભારતી એરટેલ તેની કેટલીક સંપત્તીઓ અને શેર વેચીને આ દેવુ ચૂકવી શકે છે તેવી જ રીતે વોડાફોન – આઇડીયા પાસે પણ સાધનોની કોઇ કમી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટેલિકોમ બજારમાં જ્યારથી રિલાયન્સ જીઓનો પ્રવેશ થયો છે અને તેણે અત્યંત સસ્તી કિંમતે વોઇસ કોલ અને ઇન્ટરનેટ સેવાઓ મોબાઇલ વપરાશકારોને પુરી પાડવા માંડતા ભારતીય ટેલિકોમ બજારમાં તીવ્ર ભાવકાપની સ્પર્ધા શરૂ થઇ છે અને તેના પગલે એરટેલ અને વોડાફોન-આઇડીયા જેવી કંપનીઓની ઘણી આવક ઘટી ગઇ છે અને આ કંપનીઓના ઘણા ગ્રાહકો જીઓ તરફ ખેંચાઇ જતા તે રીતે પણ આ કંપનીઓને નુકસાન થયું છે. બીજી બાજુ ભારે ભાવકાપની હરિફાઇ પછી ભારતીય બજારમાં ધંધો નફાક્ષમ નહીં જણાતા ટેલિનોર જેવી આંતરરાષ્ટ્રીય વિદેશી કંપની તો ભારતીય બજાર છોડી ગઇ છે અને ટાટા ઇન્ડીકોમ તથા વીડિયોકોન જેવી સ્થાનિક ટેલિકોમ કંપનીઓ બંધ થઇ ગઇ છે અને વોડાફોન પણ ભારતીય બજાર છોડી જાય તેવા અહેવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.