આજે આઝાદી દિવસ નિમિત્તે થશે વિજયસ્તંભનું પૂજન

૯ નવે.ના જૂનાગઢના આઝાદી દિવસની ઉજવણી થશે. આ પ્રસંગે વિજયસ્તંભનું પૂજન કરાશે. સમગ્ર જુનાગઢ રાજ્યને ૯ નવે.ના આઝાદ થયું હતું. પરંતુ માત્ર જૂનાગઢ મનપા દ્વારા જ ઉજવણી થાય છે. આન્ય વિભાગ દ્વારા કોઈ ઉજવણી થતી નથી.

૯ નવે.ના જૂનાગઢ નવાબી શાસનમાંથી મુક્ત થયું હતું અને ૧૫ ઓગસ્ટથી ૮ નવે. સુધી જૂનાગઢ રાજ્યમાં ફેલાયેલી અંધાધુંધીનો અંત આવ્યો હતો. દર વર્ષે આરઝી હકુમતનું સ્મારક બનાવવાની વાતો થાય છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ અનેક વખ તરજૂઆતો કરી છે. પરંતુ તેનું પરિણામ આવ્યું નથી.૯ નવે.ના જૂનાગઢના આઝાદી દિવસની ઉજવણી થશે. સવારે ૯.૩૦ વાગ્યે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા બહાઉદીન કોલેજના ગ્રાઉન્ડમાં આવેલી ૧૯૯૭માં શિલાન્યાસ કરાયેલી તકતીને વિજયસ્તંભ સમજી તેનુ ંપૂજન કરવામાં આવશે.

૯ નવે.ના સમગ્ર જૂનાગઢ રાજ્ય આઝાદ થયું હતું. પરંતુ જૂનાગઢના મુક્તિ દિવસની માત્ર જૂનાગઢ મહાપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જ્યારે અન્ય કોઈ વિભાગ  દ્વારા ઉજવણી થતી નથી. જાણે જૂનાગઢ મહાનગરનો જ આઝાદી દિવસ હોય તેવી સ્થિતિ જોવા મળે છે.

બહાઉદીન કોલેજમાં સરદાર પટેલે સંબોધેલી સભા દરમ્યાન

ભારતમાં રહેવા માટે એક સાથે હજારોની મેદનીએ કર્યા હતા હાથ ઉંચા

૧૨ વર્ષની વયે વિદ્યાર્થી કાળમાં આરઝી હુકુમતનો પ્રચાર કરનાર અને જૂનાગઢની આઝાદી સમયમાં સાક્ષી રહેલા વડીલ દલપતભાઈ પટેલે વાગોળ્યા જૂના સ્મરણો

જૂનાગઢ ૯ નવે.૧૯૪૭ના આઝાદ થયુ ત્યાર બાદ ૧૩ નવે. ૧૯૪૭ના સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા. અને તેઓએ બહાઉદીન કોલેજના સભા સંબોધી હતી. આ સમયે તેઓએ ભારતમાં રહેવા માંગતા લોકો હાથ ઉચો કરે તેમ કહેતા જ એક સાથે હજારો લોકોની મેદનીએ હાથ ઉંચો કર્યા હતાં. આ સમયે ૧૨ વર્ષના અને હાલ ૮૫ વર્ષના વડીલ દલપતભાઈ પટેલ પણ આ સભામાં હાજર હતા. તેઓ આ સભા અને જૂનાગઢની આઝાદીના સાક્ષી છે.

૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના ભારત આઝાદ થયુ હતું પરંતુ જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવા જાહેરાત કરી હતી. ત્યાર બાદ જૂનાગઢ રાજ્યમાં આંધાધૂંધી છવાઈ હતી. લોકોના સામાનની લૂંટ ફાંટ શરૂ થઈ હતી અને હજારો લોકોએ હિજરત પણ કરી હતી. જૂનાગઢની આઝાદી માટે મુંબઈમાં ૨૫ સપ્ટે.૧૯૪૭ના આરઝી હુકુમતની રચના કરવામાં આવી હતી. સૌ પ્રથમ ૩૦ સપ્ટે. ૧૯૪૭ના આરઝી હકુમતતે રાજકોટ ખાતે જૂનાગઢ હાઉસ કબ્જે કર્યું હતું. ત્યારબાદ આરઝી હકુમતે નવાબી શાસન સામે આર્થિક પ્રચાર અને સશસ્ત્ર મોરચો શરૂ કર્યા હતાં. ભારતના મોટા શહેરોમાં જૂનાગઢ બહિષ્કાર સમિતિઓ રચવામાં આવી હતી. અને ૧ ઓકટો.૧૯૪૭થી ભારત સરકાર જૂનાગઢને કોલસો આપવાનું બંધ કર્યું હતું.

૨૭ ઓક્ટો.૧૯૪૭ના પત્રમાં પાકિસ્તાન જતા રહેતા નવાબને દિવાન ભુટ્ટોએ એક પત્ર લખી જણાવ્યું હતું કે નાકાબંધી કરી હોવાથી આવકના મુખ્ય સાધનો જેવા કે રેલવે, કસ્ટમ ઘટી ગયા છે. અનાજની સ્થિતિ પણ ગંભીર છે. જૂનાગઢ રાજ્યની રેલવેની દૈનિક કમાણી ૩૦ હજારમાંથી ઘટી પાંચ હજાર થઈ ગઈ હતી. પોરબંદર અને મોરબી રાજ્ય પાસેથી લોન મેળવવા પ્રયાસો કર્યા પરંતુ સફળતા મળી ન હતી.

આખરે નવાબે હિન્દુ સંઘનું શરણ લેવા દિવાન ભુટોને તાર કર્યો હતો. આરઝી હકુમતની સેનાએ દશેરાથી દિવાળી સુધીમાંગ માત્ર ૧૮ દિવસમાં જૂનાગડ શાસન હેઠળના ૧૦૬ ગામ કબ્જે કર્યા હતાં. ૭ નવે.ના દિવાન ભુટ્ટોને આરઝી હકુમતના લડવૈયા શામળદાસ ગાંધી સાથે વાટાઘાટો કરવા આવવું પડયું હતું. તેમાં શામળદાસ ગાંધીએ બિનશરતી શરણાગતિ સ્વીકારવા જણાવ્યુંગ હતું. અને ૯ નવે. ૧૯૪૭ના જૂનાગઢને નવાબી શાસનમાંથી મુક્તિ મળી હતી.

૧૩ નવે, ૧૯૪૭ના સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા અને તેઓએ બહાઉદીન કોલેજમાં સભા સંબોધી હતી. તે વખતે ૧૨ વર્ષની વયે આરઝી હુકુમતનો પ્રચાર કરનાર અને હાલ ૮૫ વર્ષની વયે પહોંચેલા જનસંઘના આગેવાન દલપતભાઈ પટેલ પણ આ સભામાં હાજર હતાં. તેઓએ સરદારની ભાષણના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે સરદાર પટેલે એક-દોઢ કલાક જુસ્સાભેર ભાષણ આપ્યું હતું. અને હાજર મેદનીને ભારતમાં જોડાવા હાથ ઉંચો કરવા કહેતા અક સાથે હજારો હાથ ઉંચા થયા હતાં. સરદાર જેને પાકિસ્તાન જવુ હોય તેને પોતે ટિકીટનો ખર્ચ આપશે અને ભારતમાં રહેવું હોય તેનો વાળ વાંકો નહી થવા દઉ, તેમ કહેતા હજારોની મેદનીએ તાળીઓના ગડ ગડાટ થી બહાઉદીન કોલેજનું મેદાન ગુંજવી દીધું હતું.

આરઝી હકુમતે ગુપ્ત સ્થળે રેડીયો સ્ટેશન શરૂ કર્યું હતું

૨૪ ઓકટો.૧૯૪૭ના વિજ્યા દશમીના દિવસે આરઝી હકુમતને ગુપ્ત સ્થળે આઝાદ જૂનાગઢ રેડીયો સ્ટેશન શરૂ કર્યું હતું. રોજ રાત્રે ૯ થી ૧૦ દરમિયાન તે રેડીયો સાંભળી શકતો અને તેમાં યંગ ઈન્ડિયા ગ્રામોફોન કંપનીએ તૈયાર કરેલી ‘ચલો જૂનાગડ એકસાથ’ અને આરઝી હુકુમત ઝીંદાબાદ રેકર્ડ વગાડવામાં આવતી હતી. તેમજ આરઝી હુકુમતના  સશસ્ત્ર આક્રમણમાં થયેલા વિજયના રોજે રોજના સમાચાર પણ અપાતા હતાં. આમ પ્રચારના મોરચે સફળતા મેળવી આરઝી હુકુમતે અડધી લડાઈ યુધ્ધ વિના જ જીતી લીધી હતીં.

સુભાષચંદ્ર બોઝે બનાવેલી

આઝાદ હિન્દ ફૌજમાંથી પ્રેરણા લઈ આરઝી હુકુમતની થઈ હતી રચના

આરઝી હુકુમતની સ્થાપના ૨૪ કલાક પહેલા ગાંધીજીએ પણ દિલ્હીની પ્રાર્થનાસભામાં કહ્યુ હતું કે જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહીએં

જૂનાગઢની આઝાદી માટે આરઝી હુકુમતની રચના સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજમાંથી પ્રેરણા લઈ કરવામાં આવી હતી. તેમાં સરદાર પટેલના છુપા આશીર્વાદ હતા. આરઝી હુકુમતની સ્થાપનાના ૨૪ કલાક પહેલા ગાંધીજીએ દિલ્હીની પ્રાર્થનાસભામાં જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહિએ તેમ પણ કહ્યું હતું.

જૂનાગઢ ૧૫ ઓગસ્ટના ભારત સાથે જોડાયું ન હતું. આથી જૂનાગઢની પ્રજા મુંઝવણમાં હતી. જૂનાગઢની સોરઠ સેવા સમિતી અને મુંબઈના જૂનાગઢ પ્રજા મંડળને પણ આ પ્રશ્ને કોઈ સફળતા મળી ન હતી. ૨૫ ઓગસ્ટ ૧૯૪૭ના જેઠાલાલ જોશી, રતુભાઈ અદાણી અને રસિકભાઈ પરીખેે સંરક્ષણ સમિતી રચી હતી. અને જૂનાગઢ આર્થિક બહિષ્કારનું એલાન આપ્યું હતું. ૧૫ સ્પ્ટે. ૧૯૪૭ના મુંબઈ ખાત શામળદાસ ગાંધી, ચીમનલાલ શાહ, સોપાન, કામેશ્વર વ્યાસ અને મુગુટલાલ પારેખની જૂનાગઢ સમિતી રચાઈ હતી.

ગંભીર વિચારણા બાદ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજમાંથી પ્રેરણા લઈ સરદાર વલ્લભભાઈ પટેલના છુપા આશીર્વાદ મેળવી ૨૫ સપ્ટે. ૧૯૪૭ના મુંબઈના આરઝી હુકુમતની સ્થાપના થઈ હતી. માધવબાગના હજારોની મેદનીમાં ક.મા. મુનશીએ ઘડેલું જાહેરનામુ બહાર પાડી આરઝી હુકુમતની સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. તેમાં જૂનાગઢ રાજ્યના જ લોકોને લેવાયા હતા. વડા તરીકે ગાંધીજીના ભત્રીજા અને કુતિયાણાના બારખલીદાર શામળદાસ ગાંધીને નિમવામાં આવ્યા હતાં.

આરઝી હુકુમતની સ્થાપનાને પરોક્ષ આશીર્વાદ હોય તેમ ૨૪-૯-૧૯૪૭ના જૂનાગઢને પાકિસ્તાન કીસ તરહ બન શકતા હૈ. મેરી સમઝને મે નહીં આતા, જૂનાગઢ સે પાકિસ્તા જાના ચાહીએ. આવું ગાંધીજીએ પ્રાર્થના સભામાં કહ્યું હતું. આમ આરઝી હુકુમતની સ્થાપના માત્ર જૂનાગઢના જ નહીં પરંતુ ભારતના દેશી રાજ્યોના ઇતિહાસનો યાદગાર અને ઐતિહાસિક બનાવ હતો. પરંતુ આ આરઝી હુકુમતના લડવૈયાઓની યાદમાં સ્મારક ન બનાવી તેની ઉપેક્ષા કરાઈ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.