બેઝની આસપાસ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને સાથે જ સત્તાવાર ફોટોગ્રાફી સિવાય અન્ય ફોટોગ્રાફી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
ભારતીય વાયુસેનાની તાકાતમાં આજે અનેકગણો વધારો થવા જઈ રહ્યો છે. ઘણા લાંબા સમયથી જે લડાકુ વિમાનની રાહ જોવાઈ રહી હતી તે રાફેલ વિમાન આજે ભારત પહોંચી રહ્યા છે. ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલા સોદા અંતર્ગત રાફેલ લડાકુ વિમાનની પહેલી ખેપ આજે ભારતના અંબાલા ખાતે પહોંચશે. પહેલી ખેપમાં કુલ 5 લડાકુ વિમાન હશે જેને રિસીવ કરવા માટે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા પોતે હાજર રહેશે.
રાફેલ વિમાનને વાયુસેનાની ગોલ્ડન એરો 17 સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવશે. તેણે કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે ભારતની સૌથી જુની સ્ક્વોડ્રનમાંથી એક છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતને આજે શક્તિશાળી લડાકુ વિમાન મળી રહ્યા છે. તેને ઉત્તર ભારતના બેઝ ખાતે જ તૈનાત કરવામાં આવશે જેથી મુશ્કેલીના સમયે દુશ્મનોને મજા ચખાડી શકાય.
હાલ ક્યાં છે રાફેલ?
રાફેલ વિમાનોએ મંગળવારે ફ્રાંસથી ઉડાન ભરી હતી અને ત્યાર બાદ એક વખત હવામાં જ તેમનું ફ્યુઅલિંગ થયું હતું. ત્યાર બાદ પાંચેય લડાકુ વિમાન યુએઈના અલ દાફરા બેઝ પર રોકાયા હતા અને આજે (બુધવારે) સવારે તેમણે ઉડાન ચાલુ કરી હતી જેથી બપોર બે વાગ્યા સુધીમાં ભારતના અંબાલા પહોંચી શકાય.
અંબાલામાં કેવી છે તૈયારી?
આશરે દોઢેક દસકા બાદ ભારતીય વાયુસેનામાં આટલી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કોઈ લડાકુ વિમાનની એન્ટ્રી થઈ રહી છે. પાછું તે પણ રાફેલની એન્ટ્રી થઈ રહી છે જે છેલ્લા બે-ત્રણ વર્ષથી દેશમાં રાજકીય મુદ્દો પણ બની રહ્યા છે.
આ સંજોગોમાં હવે જ્યારે અંબાલા એરબેઝ ખાતે તેનું લેન્ડિંગ થવાનું છે તો સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરી દેવામાં આવી છે. બેઝની આસપાસ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને સાથે જ સત્તાવાર ફોટોગ્રાફી સિવાય અન્ય ફોટોગ્રાફી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જો કે માત્ર અંબાલા જ નહીં પણ રાજસ્થાનના જોધપુર ખાતે પણ તૈયારીઓ ચાલી રહી છે જેને બેકઅપ તરીકે લેવામાં આવી રહી છે. ઉત્તર ભારતમાં આજે ભારે વરસાદનું એલર્ટ છે માટે આ સંજોગોમાં જો હવામાનને લગતી કોઈ મુશ્કેલી આવે તો રાફેલને જોધપુરમાં ઉતારવામાં આવે તેવું બની શકે છે.
રાફેલના આગમન બાદ શું?
આજે બપોરના સમયે રાફેલ વિમાન ભારત પહોંચશે અને ત્યાર બાદ વાયુસેનાના પ્રમુખની ઉપસ્થિતિમાં તેમને રિસીવ કરવામાં આવશે. જો કે તે વાયુસેનામાં ફાઈનલ ઈન્ડક્શન નહીં હોય કારણ કે તે પ્રક્રિયા ઓગષ્ટના અંતમાં કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.