અમદાવાદ: કારતક સુદ છઠના દિવસે પૂર્વી ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો લોકઆસ્થાના મહાપર્વ છઠ મહોત્સવને ધામધૂમથી ઊજવે છે. ઇન્દિરાબ્રિજ નીચે સાબરમતી નદીના પટમાં સૌથી મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ મહોત્સવ ઊજવાય છે. જાનકી છઠ ઘાટમાં છઠ પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. જ્યાં સાંજે ઢળતા સૂર્યની આરતી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ આવશે. નારાયણ ઘાટ, બાપુનગર સહિતના વિસ્તારોમાં આ મહોત્સવ ઊજવવામાં આવે છે.
કઠિન તપનું પ્રતીક આ પર્વ ઊર્જાનો સંચાર કરે છે, સ્વાસ્થ્યના લાભ પણ થાય છે
ચાર દિવસ સુધી ચાલતા આ મહાપર્વ દરમિયાન સમાનતાનો ભાવ જોવા મળે છે, જ્યારે મહિલાઓ આ પર્વમાં 36 કલાકનું નિર્જળા વ્રત કરી કઠિન તપ કરે છે. તહેવારોમાં ધાર્મિક પરંપરાની સાથે કેવા સ્વાસ્થ્યવર્ધક લાભ રહેલા છે તેનું પણ આ પર્વ દૃષ્ટાંત છે.
સમાનતા: લોકો ઊગતા સૂર્યની પૂજા કરે છે, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો છઠના દિવસ પહેલાં ઢળતાં સૂર્યને અને ઊગતા સૂર્યની પૂજા કરે છે. આ રીતે સૂર્યના કિરણો તમામ જગ્યાએ એકસાથે જ પડે છે. એ જ રીતે આ મહોત્સવ દરમિયાન લોકો ભેદ ભૂલીને સમૂહમાં નદી કે તળાવમાં એકસાથે ઊભા રહી આ પર્વ ઉજવે છે.
તપસ્યા: છઠ વ્રત સંતાન, સુખ, સ્વાસ્થ્ય, આયુષ્ય વગેરે માટે કરાય છે. ચાર દિવસ સુધી ઊજવાતો આ મહોત્સવ પવિત્રતા અને નિષ્ઠા સાથે ઊજવાય છે. પર્વ દરમિયાન મહિલાઓ તેમના પતિ અને પુત્રની રક્ષા માટે 36 કલાકનું નિર્જળા વ્રત રાખે છે. એવું મનાય છે કે, આ પ્રકારના કઠિન તપથી છઠ માતા અને સૂર્ય દેવ પ્રસન્ન થાય છે
પરંપરા: છઠ પૂજા દરમિયાન વ્રતીઓ સાંજે નદી, તળાવના કિનારે માટીની મૂર્તિ બનાવી ષષ્ઠી દેવીનું આહ્વાન કરી લાડુ, ફળ, શેરડી, કેળાનાં પાન, સિંઘાડા, નારિયેળની મદદથી વિધિવત્ પૂજન કરાય છે. બીજા દિવસે વહેલી સવારે ફરી સૂર્યદેવને અર્ધ્ય આપતા પહેલાં ષષ્ઠી દેવીનું પૂજન કરી મૂર્તિનું વિસર્જન કરાય છે.
સ્વાસ્થ્ય: કારતકમાં સૂર્યનાં કિરણો નદી, સરોવરમાં એટલી ઊર્જાનો સંચાર કરે છે કે, તેનું જળ અસાધ્ય બીમારી માટે ઔષધ સમાન બને છે. સૂર્યષષ્ઠીએ નદીમાં સ્નાન અને લાંબો સમય નદીમાં ઊભા સૂર્યની સામે જોવું લાભદાયી મનાય છે. આજે સાંજે આથમતા સૂર્યને અર્ધ્ય, કાલે ઊગતા સૂર્યને અર્ધ્યની સાથે છઠ પર્વ પૂરું થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.