આજે CM યોગી લેશે અયોધ્યાની મુલાકાત, ભૂમિ પૂજનની તૈયારીઓ પર આપશે ધ્યાન

સંપૂર્ણ અયોધ્યાના ભ્રમણ સાથે રામ કી પૈડી અને સરયૂના કિનારે તૈયારીઓની સમીક્ષા કરે તેવી શક્યતા

આગામી 5 ઓગષ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજનની વિધિ કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થવા માટે અયોધ્યા પહોંચશે. જો કે તેના પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાત લેશે. મુખ્યમંત્રી યોગી આજે અયોધ્યામાં તૈયારીઓનો તકાજો લેવાના છે.

મુખ્યમંત્રી યોગી આજે બપોરે 2 કલાકે અયોધ્યા પહોંચવાના છે અને તેઓ ત્રણ કલાક સુધી અયોધ્યામાં રોકાશે. ત્યાર બાદ સાંજે 5 કલાકે યોગી આદિત્યનાથ લખનૌ પાછા ફરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસર પાસે માનસ ભવનમાં તમામ ટોચના અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પરિસરમાં બની રહેલા પંડાલ, રસ્તા અને બીજી તૈયારીઓની સાથે સાથે કોવિડ પ્રોટોકોલ અંતર્ગત કરવામાં આવેલી તૈયારીઓની પણ સમીક્ષા કરશે. યોગી આદિત્યનાથ આજે સંપૂર્ણ અયોધ્યાનું ભ્રમણ પણ કરી શકે છે. તે સાથે જ રામ કી પૈડી અને સરયૂના કિનારે થઈ રહેલી તૈયારીઓ પણ જોઈ શકે છે.

સઘન વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 5 ઓગષ્ટના રોજ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન થવાનું છે. તે માટે અયોધ્યામાં જોર શોરથી તૈયારીઓ પણ ચાલી રહી છે. ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા રામનગરીને શણગારવાનું કામ થઈ રહ્યું છે અને આ ભવ્ય કાર્યક્રમમાં આશરે 200 જેટલા લોકો સામેલ થશે.

આ તરફ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને પ્રશાસન તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે. કોરોના વાયરસ સાથે સંબંધિત પ્રોટોકોલને પ્રાથમિકતા આપવામાં આવી છે અને પ્રશાસન પણ તેના પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે તમામ એજન્સીઓની બેઠક પણ થઈ હતી અને સુરક્ષાના હિસાબથી આકરા બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.