આજની બેઠકમાં માત્ર છ રાજ્યના મુખ્યમંત્રીઓને પોતાની વાત રજૂ કરવા તક મળી શકશે
દેશમાં વ્યાપેલા કોરોના વાયરસના સંકટમાંથી લોકોને બહાર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (બુધવારે) સતત બીજા દિવસે પણ વિવિધ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાત કરશે.
આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ સહભાગી બનશે. વડાપ્રધાન મોદી બપોરે 3:00 કલાકે મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને દિલ્હી સહિત દેશના સૌથી વધુ પ્રભાવિત 15 રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશો સાથે ચર્ચા કરશે.
એક અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે આ બેઠકમાં સામેલ થવાના બદલે અન્ય કોઈ અધિકારીને મોકલી આપે તેવી શક્યતા જણાઈ રહી છે. આજની ચર્ચામાં જે મુખ્યમંત્રીઓને બોલવાની તક આપવામાં આવી છે તેમાં મમતા બેનર્જીનું નામ સામેલ ન હોવાથી આવી અટકળો લગાવાઈ રહી છે.
પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થા ચેટર્જીએ મમતા બેનર્જીને બોલવાનો મોકો ન આપીને કેન્દ્ર સરકારે ફરી એક વખત બંગાળના લોકોનું અપમાન કર્યું છે તેવો દાવો કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે જો મુખ્યમંત્રીઓને તેમની ચિંતા વ્યક્ત કરવાની મંજૂરી ન મળતી હોય તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિચાર-વિમર્શ કરવો અર્થહીન છે.
છને છોડીને બાકીના રાજ્યો લેખિતમાં પોતાની વાત રજૂ કરશે
આજની વડાપ્રધાન સાથેની ચર્ચામાં છ રાજ્યના મુખ્યમંત્રીઓને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળી શકે છે. જ્યારે જે રાજ્યોને બોલવાની તક નથી મળી તે લેકિતમાં પોતાની વાત રજૂ કરશે. આ બેઠકમાં અનલોક-1ની અસરો અંગે વિવિધ રાજ્યોનો ફિડબેક લેવામાં આવશે અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. અગાઉ મંગળવારે પણ વડાપ્રધાને 21 રાજ્યો-કેન્દ્રશાસીત પ્રદેશો સાથે વાતચીત કરી હતી.
ત્રણ મહીનામાં વડાપ્રધાનની સાતમી બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારી મામલે સતત વિવિધ રાજ્યો સાથે વાતચીત કરી રહ્યા છે. મંગળવારે તેમણે છઠ્ઠી બેઠક યોજી હતી જેમાં લોકોની જિંદગી અને રોજી-રોટી પર ધ્યાન કેંદ્રીત કરવા જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.