એક સમયે કોરોના મુક્ત થઈ ગયું હતું ગોવા, હવે નવા 7 કેસ સામે આવતા હડકંપ મચ્યો

તમામ સંક્રમિતો મુંબઈથી આવ્યા હતા અને સંક્રમણના કોઈ લક્ષણો ન હોવા છતા રેપિડ પીસીઆર ટેસ્ટ પોઝિટિવ

દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ગોવાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગોવામાં કોરોના વાયરસના સંક્રમણના સાત નવા કેસ સામે આવ્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ ગોવાને કોરોના-ફ્રી જાહેર કરવામાં આવ્યું હતું. ગોવામાં કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓ સાજા થઈ ગયા હતા અને થોડા દિવસથી સંક્રમણના નવા કોઈ કેસ સામે નહોતા આવ્યા ત્યારે અચાનક જ સાત કેસ આવતા લોકો ગભરાઈ ગયા છે.

ગોવામાં સાત નવા કેસ

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે રાજ્યમાં કોરોનાના સાત નવા કેસ નોંધાયા હોવાની જાણકારી આપી હતી. તેમના કહેવા પ્રમાણે આ તમામ લોકો મુંબઈથી આવ્યા હતા અને તેમનો રેપિડ પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકોમાં સંક્રમણના કોઈ લક્ષણો નહોતા પરંતુ તેઓ સંક્રમિત હોવાની પૃષ્ટિ થતા તેમને ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવાયા છે. આ ઉપરાંત તેમના નમૂનાને ફેર તપાસ માટે ગોવા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે.

‘ગોવા મોડલ’ની ચર્ચા

એક તરફ સમગ્ર દેશમાં કોરોના-ફ્રી ગોવાની ચર્ચા થઈ રહી હતી અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા ‘ગોવા મોડલ’ અપનાવવાનું સૂચન થઈ રહ્યું હતું તેવા સમયમાં આ સાત નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે જ કોરોના વાયરસના પ્રસારને રોકવા અમુક જિલ્લા ગોવા મોડલને અનુસરી શકે છે જેમાં ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ કરવાનો અને રોગીઓની સારવાર કરવાનો સમાવેશ થાય છે તેમ કહ્યું હતું.

જાણો શું છે ગોવા મોડલ?

ગોવા સરકારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરાઈ તેના બે દિવસ પહેલા જ બાહ્ય અવર-જવર પર પ્રતિબંધ મુક્યો હતો. સાથે જ બીચ, રેસ્ટોરા અને અન્ય સાર્વજનિક જગ્યાઓ પર લોકોની અવર-જવર પ્રતિબંધિત કરી દીધી હતી.

રાજ્યમાં કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો ત્યારે જ આ નિર્ણય લેવાઈ ગયો હતો. દેશમાં કોરોનાના કેસ વધવા લાગતા મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથેની સરહદ બંધ કરી દીધી હતી અને 24 કલાક મોનિટરિંગ કરાયુ હતું.

આ સાથે જ ગોવામાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર પણ જોર અપાયું હતું. જે લોકો કોરોના સંક્રમિત હોવાનો સંદેહ થયો તેમને તરત ક્વોરેન્ટાઈન કરાયા હતા અને આ બધી તકેદારીઓ છતા સાત નવા કેસ સામે આવ્યા તે ચોંકાવનારી ઘટના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.