કેન્દ્ર સરકાર દ્વારા ડિમોનિટાઈઝેશન નિર્ણય લેવામાં આવ્યો તે પછી બજારમાં 2000 અને 500ના દરની નવી ચલણી નોટો બહાર પાડવામાં આવ્યા બાદ ગુજરાતમાંથી 2017ની સાલમાં સૌથી વધુ બે હજારના દરની 30,658 નંગ નકલી ચલણી નોટો જપ્ત થયાની વિગતો ખુલી છે. સમગ્ર દેશમાં નકલી કરન્સી કુલ રૂપિયા 28 કરોડની પોલીસે જપ્ત કરી જેમાં સૌથી વધુ અધધ કહી શકાય તેટલી 9 કરોડની નકલી કરન્સી માત્ર ગુજરાતમાંથી મળી હતી.
આમ સમગ્ર દેશમાં સૌથી વધુ નકલી કરન્સી ગુજરાતમાંથી કબજે લેવામાં આવે છે. ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં અમદાવાદની વિવિધ બેન્કોમાંથી આવેલી નકલી ચલણી નોટો અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આંચકો આપે તેવી બાબત એ હતી કે, બેંકો દ્વારા મોકલવામાં આવેલી નકલી કરન્સીમાં બાળકોના રમવા માટે આવતી સાદી કાગળની નોટો પણ બેન્કના કર્મચારીઓ ઓળખી શક્યા ન હતા. જેના કારણે આરોપીઓ બેંકમાં આ પ્રકારની નકલી નોટો વટાવવામાં સફળ થયા હતા. નકલી નોટો પકડાવાની મામલે ગુજરાત બાદ બીજા ક્રમ ઉત્તરપ્રદેશ અને ત્રીજા ક્રમે વેસ્ટ બંગાળનો સમાવેશ થાય છે.
નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના 2017ના રિપોર્ટ મુજબ ગુજરાતમાંથી 2017માં 9 કરોડની ડુપ્લિકેટ ચલણી નોટો મળી જ્યારે ઉત્તર પ્રદેશમાં 2,86,49,860ની અને વેસ્ટ બંગાળમાંથી 1,93,66,070ની રકમની નકલી ચલણી નોટો કબજે કરવામાં આવી હતી. આમ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત, ઉત્તરપ્રદેશ અને વેસ્ટ બંગાળમાંથી સૌથી વધુ ડપ્લિકેટ ચલણી નોટો કરન્સીમાં ફરતી થઈજતી હોવાનું બહાર આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.