આખરે એશીયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનો થયો પ્રારંભ

– રોપ-વેની ટિકીટ 700 રૂપિયા રખાતા સામાન્ય લોકોમાં કચવાટ

– રોપ-વેની સફરમાં અદ્ભુત નજારા અને રોમાંચનો થતો અનુભવ

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઈ-લોકાર્પણ

– રોપ-વે કાર્યરત થવાથી રોજગારીના નવા અવસર ઉભા થશે ઃ વડાપ્રધાન વર્લ્ડ કલાસ રોપ-વેથી ઝડપથી અંબાજીનાં દર્શન થઈ શકશે : મુખ્યમંત્રી

જૂનાગઢના મહત્વાકાંક્ષી ગિરનાર રોપ-વે પ્રોજેકટ તથા કિસાન સૂર્યોદય યોજનાનું આજે વડા પ્રધાને મુખ્યમંત્રં સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઈ.લોકાર્પણ કર્યું હતું. અને આખરે આજે હવનાષ્ટમીના પવિત્ર દિવસે ગિરનાર રોપ-વેનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, રોપ-વે કાર્યરત થવાથી સ્થાનિક કક્ષાએ રોજગારીના નવા અવસર ઉભા થશે. જયારે મુખ્યમંત્રીએ રોપ-વેથી પ્રવાસીઓ ઝડપથી અંબાજી પહોંચી દર્શન કરી શકશે.

૧૯૮૩થી રોપવે પ્રોજેકટ માટે કાગળ પરની પ્રક્રિયા શરૂ થઈ હતી. અનેક ગુંચવણો અવરોધ પાર કર્યા પછી ગિરનાર રોપ-વે તૈયાર થયો છે. આજે જૂનાગઢના બિલખા રોડ પર આવેલા પી.ટી.સી. કોલેજ કમ્પાઉન્ડમાં કિસાન સૂર્યદય યોજના અને ગિરનાર-રોપ-વેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા સહિતના મંત્રીઓની ઉપસ્થિતીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજના અને ગિરનાર રોપ-વે યોજનાનું ઈ. લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગિરનાર આસ્થા અને પ્રવાસનનું કેન્દ્ર છે. ત્યાં માં અંબે ગુરૂદત્તાત્રેય તેમજ જૈન મંદિરો આવેલા છે. પગથિયા ચડી ગિરનાર પર ગયેલા માણસને ત્યાં પહોંચી પરમ શાંતીનો અનુભવ થાય છે. અગાઉ પગથિયા ચડી અંબાજી સુધી જવા માટે ચાર – પાંચ કલાક થતા હતાં. હવે લોકો રોપ-વે દ્વારા ૭-૮ મિનીટમાં ત્યાં પહોંચી જશે.

રોપ-વે કાર્યરત થવાથી જૂનાગઢમાં સ્થાનિક કક્ષાએ રોજગારીના નવા અવસર ઊભા થશે. અને ગિરનાર એડવેન્ચર હબ બનશે અને વધુ પ્રવાસીઓ આવશે.

જયારે કિસાન સૂર્યોદય યોજના વિશે વડાપ્રધાને જણાવ્યું હતું કે, દિવસે વીજળી એ ખેડૂતો માટે નવુ સવાર જ છે. અન્નદાતા ઉર્જાદાતા બને તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યાં છે. તેઓએ ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપનો મંત્ર આપી પાણીનો દુરૂપયોગ ન થાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું.

જયારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રોપ-વે કાર્યરત થવાથી નરેન્દ્રભાઈ સ્વપ્ન પૂર્ણ થયું છે. અને જૂનાગઢના લોકોને નવરાત્રીમાં નજરાણુ મળ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હવે વૃધ્ધો બાળકો આસાનીથી અંબાજી મંદિરે જઈ દર્શન કરી શકશે. સ્ચેચ્યુ ઓફ યુનિટી અમદાવાદના સ્ટેડીયમ બાદ રોપ-વે ત્રીજો યુનિક પ્રોજેકટ છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, રોપવે પ્રોજેકટને ખોરંભે પાડવા માટે વિરોધીઓએ અનેક અવરોધ ઉભા કર્યા હતાં. પરંતુ નરેન્દ્રમોદી વડાપ્રધાન બન્યા બાદ તમામ અવરોધ દૂર થયા અને રોપ-વેનું સ્વપ્ન આજે સાકાર થયું છે.

અવરોધ ઉભા ન થયા હોત તો રોપ-વે વહેલો થઈજાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રોપ-વે પ્રોજેકટ આડે અનેક અવરોધ આવ્યા હતાં. તેનાથી મોટુ નુકસાન થયું છે. જો આવા અવરોધ ઉભા ન થયા હોત તો રોપ-વે વહેલો કાર્યરત થઈ ગયો હોત.

પ્રવાસન ક્ષેત્રમાં ઓછી મૂડીમાં વધુમાં વધુ રોજગાર છે

વડાપ્રધાને જણાવ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રમાં ઓછી મૂડીમાં વધુમાં વધુ રોજગાર ઉપલબ્ધ થઈ શકે છે. પ્રવાસીઓ વધુ ત્યારે જ આવશે. જયારે તેને આધુનિક સુવિધા મળશે. તેઓએ વિશ્વમાં વસતા ગુજરાતીઓને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બની પ્રવાસન સ્થળો વિશે વાકેફ કરવા જણાવ્યું હતું.

જૂનાગઢમાં રોપ-વેના લીધે વર્ષ ૨૦૦ કરોડ આવકવધશે

પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતુ ંકે, રોપ-વેનું લોકાર્પણ થયું છે. આથી હવે યાત્રાળુઓ ઉપરાંત પ્રવાસીઓ આવશે. તેઓના કારણે જૂનાગઢમાં વર્ષ ૨૦૦ કરોડ જેટલી આવક થશે.

મુખ્યમંત્રીએ રોપ-વેમાં જઈ માં અંબાના કર્યા દર્શન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના પત્ની અંજલીબેન રૂપાણી, ઉર્જામંત્રી, સાંસદ રાજેશ ચુડાસમા સહિતનો મહાનુભાવોએ રોપ-વેમાં જઈ માં અંબાના દર્શન કર્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, ૨૨ વર્ષ પહેલા ગિરનાર આવ્યો હતો. અને આજે રોપ-વેના લીધે ૨૨ વર્ષ બાદ મતાજીના દર્શન થઈ શકયા છે.

આજથી જાહેર જનતા માટે સવારે ૮ થી ૫ સુધી ખુલ્લો રહેશે રોપ-વે

રોપ-વેની ટિકીટ ૭૦૦ રૂપિયા રખાતા સામાન્ય લોકોમાં કચવાટ 

બાળકો માટે રૂા. ૩૫૦ તેમજ વન – વે ટિકીટના ૪૦૦ રૂપિયાથી સામાન્ય લોકો માટે રોપ-વેની સફર રહેશે મોંઘી

જૂનાગઢના ગિરનાર રોપ-વે આજથી કાર્યરત થઇ ગયો છે અને આવતીકાલે સવારે ૮ થી સાંજે ૫ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. પરંતુ રોપ-વેની ટિકીટ ૭૦૦ રૂપિયા બાળકો માટે ૩૫૦ તેમજ વન – વે ટિકીટના ૪૦૦ રૂપિયા રખાતા સામાન્ય લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અને ટિકીટના દર ઘટાડવામાં આવે એવી માંગ ઉઠી છે.

જૂનાગઢના ગિરનાર રોપ-વે પ્રોજેકટનું આજે ઇ-લોકાર્પણ થયું હતું અને શહેરના આગેવાનો, કર્મચારીઓ, અધિકારીઓ, રાજકીય પક્ષના કાર્યકરોએ રોપ-વેની સફર કરી હતી. આજે આ લોકોને રોપ-વેની નિઃશુલ્ક સફર કરાવાઇ હતી. હવે આવતીકાલે તા. ૨૫ ના રવિવારે દશેરા નિમીતે જાહેર જનતા માટે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી રોપ-વે ખુલ્લા રહેશે.

રોપ-વેમાં સફર કરવા માટેનો ટિકીટ ચાર્જ ૭૦૦ રૂપિયા રખાયો છે. જ્યારે બાળકો માટે ૩૫૦ રૂપિયા તેમજ કોઇને માત્ર વન – વે સફર એટલે લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન જવું હોય તો તેના માટે ૪૦૦ રૂપિયા રાખવામાં આવ્યા છે.

ટુ – વેના દર ૭૦૦ રૂપિયા રખાતા સામાન્ય લોકો ઘરના સભ્યોને રોપ-વેમાં લઇ જાય તો ૨૮૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આથી રોપ-વેની ટિકીટના વધુ ચાર્જના લીધે સામાન્ય લોકોમાં કચવાટ ફેલાયો છે. અને રોપ-વેના દર ૩૦૦ થી ૪૦૦ વચ્ચે રહે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.  આ ટિકીટ ચાર્જના લીધે સામાન્ય લોકોને રોપ-વેની સફર મોંઘી પડશે.

ગિરનારની પર્વતમાળા અને જંગલ વચ્ચેથી

રોપ-વેની સફરમાં અદ્ભુત નજારા અને રોમાંચનો થતો અનુભવ

લોઅર સ્ટેાનથી અપર સ્ટેશન સુધી ટ્રોલીને પહોંચતા લાગે છે સાડા છથી સાત મિનિટનો સમય

જૂનાગઢના ગિરનારની પર્વતમાળા અને જંગલ વચ્ચેથી પસાર થતી રોપ-વે ટ્રોલીમાં અદ્ભુત લોઅરથી અપર સ્ટેશન સુધી ટ્રોલીને પહોંચતા સાડા છ થી સાત મિનિટ અને અપરથી લોઅર સ્ટેશન સુધી ટ્રોલીને પરત આવતા પાંચથી છ મિનિટ થાય છે.

જૂનાગઢના ગિરનાર પર્વત પર આજથી શરૂ થયેલા રોપ-વેના લોઅરથી અપર સ્ટેશન વચ્ચેનું અંતર ૨૧૨૬.૪૦ મીટર છે. રોપ-વેની ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ ગિરનાર જંગલ તથા પથ્થરોની શિલાઓ પરથી પસાર થાય છે. રોપ-વેની સફર દરમ્યાન ગિરનારની પર્વતમાળામાં ફેલાયેલી લીલી વનરાજી તેમજ ગિરનારની બાજુમાં આવેલા હસ્નાપુર ડેમ શહેર અને ભવનાથ તળાવનો અદ્ભુત નજારો તેમજ રોમાંચનો અનુભવ થાય છે.

લોઅર-સ્ટેશનથી ટ્રોલીને અપર સ્ટેશન સુધી પહોંચતા સાડા છથી સાત મિનિટ થઈ હતી. ગિરનાર પર્વતની ઊંચાઈ પર જ્યાં ૮૫૦ મીટરના અંતર વચ્ચે એક પણ ટાવર નથી. ત્યાં કેબલ જ છે. ટ્રોલી ત્યાં થોડી સ્લો થતી હોય તેવો અનુભવ થાય છે. અપર સ્ટેશનથી પરત લોઅર સ્ટેશન સુધી આવવા માટે પાંચથી છ મિનિટનો સમય લાગે છે.

આમ પગથિયા ચડી જતાં ચારથી પાંચ કલાક માત્ર જવામાં જ થાય છે. તે રોપ-વેમાં માત્ર ૧૫ મિનિટમાં આવ-જા થઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.