કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો વિવાદિત વીડિયો વાયરલ થયો. વીડિયોમાં તેમણે અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.
હાલ ગુજરાતમાં છ બેઠક પર યોજાનાર પેટા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. રાધનપુર, બાયડ, અમરાઈવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુ બેઠક પર આગામી 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. જેમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ચૂંટણી પ્રચાર કરી રહેલા કલોલના કૉંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બળદેવજીએ અલ્પેશ ઠાકોર પર અનેક આક્ષેપો લગાવ્યો છે. બળદેવજીએ અલ્પેશ પર સમાજને છેતરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
‘હું અલ્પેશને સારી રીતે ઓળખું છું’
રાધનપુર બેઠક પર ચૂંટણી પ્રચાર કરતા કલોલના ધારાસભ્યએ કહ્યુ કે, “સમાજ સાથે દ્રોહ કર્યો છે એને ગદ્દાર કહેવાય. ગદ્દાર કોને કહેવાય? સમાજના નામે રૂપિયા પોતાના ઘરમાં નાખીને તમે વેચાયો છે, તેને ગદ્દાર કહેવાય. રઘુ દેસાઈ કૉંગ્રેસના ઉમેદવાર બન્યા છે એટલે અહીં આવ્યા છીએ. અહીંના ઠાકોરોને વિનંતી કરું છું કે આ ભાઈના (અલ્પેશ ઠાકોર) રવાડે ન ચડતા. હું મારા વેવાઈને ઓળખું છું એટલો તમે નહીં ઓળખી શકો. એ મારા વેવાઈનો દીકરો છે, હું એને ઓળખું છું.”
વિરમગામમાંથી શા માટે ચૂંટણી ન લડી?
વિરમગામ વિધાનસભામાં 80 હજાર ઠાકોરો હતા. તમે ત્યાં ચૂંટણી કેમ ન લડી? કેમ તમે રાધનપુરની ભોળી પ્રજાને છેતરવા માટે આવ્યા? 80 હજાર મતો હોવા છતાં ઠાકોરોએ અલ્પેશને બોલાવીને કહ્યું હતું કે, અહીં ચૂંટણી ન લડતો. અહીં તારું કામ નહીં. તું ખોટો છો. તે સમાજનું કોઈ કામ કર્યું નથી. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાંચ હજાર મતે હાર થઈ હતી. એ ભાઈ તમને આવીને છેતરી ગયો છે. તમને જ નહીં આખી રાધનપુરની જનતાને છેતરી છે. આખા ગુજરાતના ઠાકોરોને છેતર્યાં છે. તમામ લોકોને છેતરીને થાકીને હવે ભાજપમાં ગયા છે.”
અમે ઓળખી ગયા, તમે પણ ઓળખો’
“તમામ લોકોને વિનંતી કરું છું કે, તમે લોકો યાદ રાખજો. ભૂલતા નહીં. નહીં તો વર્ષ પછી ત્રીજી ચૂંટણી થશે. પહેલા કહેતો હતો કે કૉંગ્રેસવાળા મારું સાંભળતા નથી. ભાજપમાં ગયા પછી કહે છે કે ભાજપવાળા મારું અપમાન કરે છે. એક વર્ષ પછી શિવસેના કે એનસીપી તમારા માટે તૈયાર છે. પાંચ વર્ષમાં તેણે નક્કી કર્યું છે કે રાધનપુરમાં ચાર ચૂંટણી કરવી. અમારો સગો છે, અમે તેને ઓળખ્યો છે, હવે તમે પણ ઓળખો. નહીં ઓળખો તો એટલું ચોક્કસ કહીશ કે કુદરત પણ તમને માફ નહીં કરે.”
આ મામલે પ્રતિક્રિયા આપતા બળદેવજી ઠાકોરે ન્યૂઝ18 ગુજરાતીની જણાવ્યું હતું કે, “અલ્પેશને ચૂંટણી લડવાની શું જરૂર હતી. તેણે 18 લાખ ઠાકોરોને ભેગા કરીને ક્યારેય પણ રાજકારણમાં નહીં આવવાના તેના દીકરાના સોગંધ ખાધા હતા. તે રાજકારણના રોટલા શેકવા માટે કૉંગ્રેસમાં જોડાયો હતો. તેણે ભાજપના તમામ હોદ્દેદારોને ગાળો ભાંડી હતી તો હવે શા માટે ભાજપમાં જવું પડ્યું? અલ્પેશને રાતોરાત ભારતીય જનતા પાર્ટી શા માટે સારી લગવા માંડી?”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.