ગુજરાતમાં ઓમિક્રોનના ભય વચ્ચે 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના મહેમાનો માટે હોટલો અને ટ્રાન્સપોર્ટેશન માટેના વાહનોનું બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સમિટ માટે ગાંધીનગરના રેલવે સ્ટેશન પર બનાવેલી ફાઇવસ્ટાર હોટલ લીલા બુક કરી દેવામાં આવી છે. આ હોટલના 400 રૂમ બુક થઇ ચૂક્યાં છે. અમદાવાદની હયાત રિજન્સીમાં વિવિધ રૂમ બુક કરાવવામાં આવ્યા છે.
રાજ્યની 10મી વાયબ્રન્ટ સમિટ મોટાભાગે વર્ચ્યુઅલ તરફ આગળ વધી રહી છે પરંતુ જે દેશ અને રાજ્યમાંથી ડેલિગેટ્સ તેમજ બિઝનેસ ડેલિગેશન તરફથી સ્વિકૃતિ મળી છે તેમના માટે એકોમોડેશનની જવાબદારી રાજ્ય સરકારે લીધી છે. સરકારનો અંદાજ છે તે આ વખતે 5000થી વધુ ગેસ્ટ સમિટમાં ભાગ લેવા માટે આવી શકે તેમ છે તેથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદની ફાઇવસ્ટાર હોટલો તેમજ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આવેલી હાઇવે હોટલો ઉપરાંત એરપોર્ટની થ્રી સ્ટાર અને ફાઇવસ્ટાર હોટલોનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
બીજી તરફ મહેમાનોને હોટલમાંથી સમિટના સ્થળે આવવા તેમજ પાછા લઇ જવા માટેના સાધનો પણ બુક કરવામાં આવી રહ્યાં છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તબક્કે 2000 વાહનોનું બુકીંગ કરવામાં આવ્યું છે જે બઘાં ભાડે લેવામાં આવશે. આ વાહનોમાં 80 ટકા પ્રિમિયમ કાર છે.
સરકારે જે હોટલોમાં રૂમ બુક કરાવ્યા છે તેનું ભાડું 10 હજારથી શરૂ થાય છે. હોટલ લીલામાં 50 હજારના પણ રૂમ છે. અમદાવાદની હોટલોમાં રૂમના એક દિવસનું ભાડું 10 હજાર થી 80 હજાર રૂપિયા સુધીનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટનું ઉદ્ધઘાટન કરવાના છે ત્યારે તેમની સાથે વિદેશના ટોચના ડિપ્લોમેટ્સ, ડેલિગેટ્સ અને દેશના ઉદ્યોગપતિઓ જોડાવાના છે. સમિટના સ્થળે આવનારા તમામ પ્રતિનિધિ માટે કોરોના ટેસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં વેક્સિનના બે ડોઝ લીધા હશે તેમને સમિટમાં પ્રવેશ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.