રાજકોટના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની વિદ્યાર્થી અભણ રહે એવી હરકતો બહાર આવી છે
ઊઠાં ભણાવે શિક્ષકો તો પછી ક્યાંથી ભણે ગુજરાત?
સીઆરસી સહિતના ઉપરી અધિકારીઓએ તપાસ કરી નોંધ લખી, પરંતુ કોઈ પગલાં ન લીધાં, આખરે મામલો શિક્ષણ-સચિવ વિનોદ રાવ સુધી પહોંચ્યો.
ભાસ્કર એક્સપોઝ:રાજકોટના વિદ્યાર્થીએ પેપરમાં એક અક્ષર પણ ન લખ્યો છતાં શિક્ષકે 12 માર્ક્સ આપ્યા અને નોંધ પણ લખી કે ‘અક્ષર સારા કરો’
રાજકોટ7 કલાક પહેલા
આધાર અને પુરાવા હોવા છતાં પરિણામ શૂન્ય. – Divya Bhaskar
આધાર અને પુરાવા હોવા છતાં પરિણામ શૂન્ય.
રાજકોટના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની વિદ્યાર્થી અભણ રહે એવી હરકતો બહાર આવી
ઊઠાં ભણાવે શિક્ષકો તો ક્યાંથી ભણે ગુજરાત?
સીઆરસી સહિતના ઉપરી અધિકારીઓએ તપાસ કરી નોંધ લખી, પરંતુ કોઈ પગલાં ન લીધાં, આખરે મામલો શિક્ષણ-સચિવ વિનોદ રાવ પાસે પહોંચ્યો
કારકિર્દીનો જાણે વિનાશ નોતર્યો હોય એવી ઘટના છે.
એકમ કસોટીમાં એકપણ અક્ષર લખ્યો નહીં
લોધિકા તાલુકાની સરકારી પ્રાથમિક શાળા બાલસરના ધો.4ના વર્ગના શિક્ષક હસમુખભાઈ નાથાભાઈ કમાણી અને ધો.1-2ના વર્ગશિક્ષક ભાવેશભાઈ ઘેલાભાઈ શિંગાળાએ સ્કૂલ દ્વારા લેવાયેલી એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ પેપરમાં એક અક્ષર પણ ન લખ્યો નહીં હોવા છતાં 25માંથી 15 અને 25માંથી 12 જેવા માર્ક્સ આપી પાસ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકોએ પેપરમાં કશું લખ્યું જ નથી છતાં વર્ગશિક્ષકોએ પેપર તપાસી છેલ્લે સૂચના પણ લખી છે કે અક્ષર સારા, યોગ્ય વળાંકવાળા કરો અને શબ્દોની જોડણી સાચી અને વાક્ય રચના બરાબર લખો!
તપાસમાં ગેરરીતિ બહાર આવી
એકબાજુ સરકાર ભણે ગુજરાત ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે બીજી બાજુ સરકારી સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને આવી રીતે ઊઠાં ભણાવે તો પછી ક્યાંથી ભણશે ગુજરાત? રાજકોટ જિલ્લાની હાલ બાલસર સ્કૂલની આ પ્રકારની ગેરરીતિ બહાર આવી છે, પરંતુ મોટા ભાગની શાળાઓમાં આ પ્રકારે જ લાલિયાવાડી ચલાવવામાં આવી રહી હોવાની અને શિક્ષણનો સ્તર કથળી રહ્યો હોવાની સ્થિતિ છે.
કશું લખ્યું નહીં છતાં માર્ક્સ લખ્યા
આ સમગ્ર કૌભાંડ સામે શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાને બદલે તાલુકાના સીઆરસી (ક્લસ્ટર રિસર્ચ કો-ઓર્ડિનેટર), બીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓએ તપાસ કરી, તપાસમાં પણ સ્પષ્ટ બહાર આવ્યું કે વિદ્યાર્થીઓએ કશું લખ્યું નહીં હોવા છતાં શિક્ષકે માર્ક્સ આપી પાસ કરી દીધા છે, પરંતુ એકપણ અધિકારીએ આ મામલે કોઈ કડક કાર્યવાહી ન કરી.અને આખરે આ સમગ્ર મામલો શિક્ષણ-સચિવ વિનોદ રાવ પાસે પહોંચ્યો છે. શિક્ષણ-સચિવ હવે આ મામલે શાં પગલાં લેશે એના પર સૌની નજર છે.
શિક્ષકે પેપરમાં માર્ક્સ મૂકી ‘સરલ’ પોર્ટલ પર અપલોડ પણ કરી દીધા
સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓની લેવાયેલી એકમ કસોટી સહિતની પરીક્ષામાં મેળવેલા ગુણ રાજ્ય સરકારના પોર્ટલ ‘સરલ’ પર અપલોડ કરવાના હોય છે. બાલસર સ્કૂલના શિક્ષકોએ પેપર પર તો લખાણ વિના માર્ક્સ આપી ગેરરીતિ આચરી જ છે, પરંતુ ધો.1ના 10 વિદ્યાર્થી, ધો.2ના 6 વિદ્યાર્થી અને ધો.4ના 5 વિદ્યાર્થીના ખોટા માર્ક્સ સરકારના પોર્ટલ ‘સરલ’ પર પણ અપલોડ કરી દેવાયા છે.
શિક્ષકનું પર્ફોર્મન્સ ખરાબ ન દેખાય, તેથી પાસ કરી દીધા!
સરકારી શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણનો સ્તર ખૂબ નીચો છે, પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ વર્ગમાં બીજા વર્ષે પણ શિક્ષકે ભણાવવો પડે, આ ઉપરાંત જેમ સ્કૂલના વિદ્યાર્થીનું પર્ફોર્મન્સ નબળું એમ શિક્ષકના પર્ફોર્મન્સ ગ્રેડ પર પણ અસર થતી હોય છે. આવું ન થાય અને બીજા વર્ષે પણ એ જ વિદ્યાર્થીને ભણાવવો ન પડે તેથી બાલસર સ્કૂલના શિક્ષકોએ 15થી વધુ વિદ્યાર્થીને વધુ માર્ક્સ આપી પાસ કરી દીધાનું બહાર આવ્યું છે.
સ્કૂલ મર્જ ન કરાઈ, બાલસરમાં ધોરણ 8 મંજૂર કરી દેવાયું!
ઓછા વિદ્યાર્થી હોય એવી લોધિકા તાલુકાની ઘણી શાળાઓ અગાઉ એકબીજીમાં મર્જ કરી દેવામાં આવી હતી. ત્યારે બાલસરથી વાગુદળ માત્ર અઢી કિલોમીટર થતું હોવા છતાં નિયમો નેવે મૂકીને રાજકીય ભલામણો કરીને સ્કૂલ મર્જ પણ ન થવા દીધી અને ઊલટાનું ઓછા વિદ્યાર્થી હોવા છતાં બાલસરમાં ધો.8 મંજૂર કરી મોટા પગારદાર શિક્ષકોની પણ ભરતી કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.