ગુડબાય… ૨૦૧૯ ર વેલકમ ૨૦૨૦ના ગગનભેદી અવાજો, ડાન્સ-ડિનર પાર્ટીઓ, ગીતસંગીતની મહેફિલો, નાના નાના ટેણિયાઓના પીપૂડાના પોં… પોં…ના નાદ અને માત્ર સી.જી. રોડ પર હૈયેહૈયું દબાય એવી ભીડ જ શહેરના પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ સુધીના વિસ્તારોમાં રસ્તા પર આવીને ખુશિયા મનાવી રહેલા શહેરીઓએ મધરાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ૨૦૨૦ના વર્ષનાં વધામણાં કર્યા હતાં અને એટલા જ હર્ષભેર- આનંદભેર ઇસુના ૨૦૧૯ના વર્ષને વિદાય પણ આપી… ત્યારે શહેર પણ આખું ગાજી ઊઠયું હતું. એ સાથે કોઈકે એકમેકને ગળે લગાડીને કે, હસ્તધૂનન કરીને હેપ્પી ન્યૂ યર… હેપ્પી ન્યૂ યરની આપ-લે કરી હતી.
સરદાર પટેલ સ્ટેડિયમથી છેક પંચવટી ચાર રસ્તા સુધીના વિશાળ પટ્ટા પર લોકોએ રાતના નવ વાગ્યા બાદ આવવાનો દોર શરૂ કર્યો હતો અને અડધા કલાકમાં તો આખાયે માર્ગ પર એવો જમાવડો થયો હતો કે, પોલીસે સી.જી. રોડ પર ચારેય ભાગમાંથી આવતા આંતરિક રસ્તાઓ બંધ કરી દીધા હતા. એટલું જ નહીં આખાયે ઊભા માર્ગ પર ચાલવાનો પણ પ્રતિબંધ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ વાહનો તો રાતના આઠ વાગ્યાથી બંધ કરી દેવામાં આવતા સી.જી. રોડનો નજારો આઝાદ માર્ગ જેવો બની ગયો હતો. દેખીતી રીતે જ ૩૧મી ડિસેમ્બરની આ રાત્રી જેમ જેમ ઘડિયાળના ટકોરા સાથે આગળ વધતી હતી તેમ તેમ લોકોની ઇંતેજારી ખૂટતી હતી, પરંતુ જેવો ઘડિયાળનો કાંટો બરાબર રાત્રીના બાર અને એક મિનિટના ટકોરે આવી પહોંચ્યો ત્યારે આનંદની ખુશીયોની મસ્તીભરી ચિચિયારીઓ સાથે આખોયે સી.જી. રોડ એકી અવાજે ગાજી ઊઠયો હતો… હેપ્પી ન્યૂ યર… ર….. સિર્ફ અમદાવાદ કા સી.જી. રોડ હી ક્યૂં ? પૂરું શહેર જાણે જાગતું ન હોય એમ એક તરફ કાંકરિયા કાર્નિવલમાં પાંચ લાખની મેદની રાતના ૧૨ અને એક મિનિટના પહેલા ટકોરે એવા ભરપૂર આનંદથી એવું થનગની ઊઠયું હતું કે, કાર્નિવલમાં નવો જાન આવી ગયો હતો. તો બીજી તરફ શહેરના પરાના મણિનગરથી વસ્ત્રાલ, રામોલથી હાથીજણ, સરસપુરથી શાહીબાગથી નરોડા, સાબરમતીથી નવરંગપુરા, બોપલ, શીલજ અને ત્રીજી તરફ વાસણાથી સાણંદ અને સરખેજ તથા નારોલથી લાંભા- અસલાલી અને ગાંધીનગરના માર્ગે કોબા, રાયસણ અને ગાંધીનગર પછીના સીમાડાઓમાંના ગામો- હોટેલ, રેસ્ટોરન્ટ અને ફાર્મ હાઉસોમાં પણ આ વખતે થર્ટી ફર્સ્ટનો જશ્ન મનાવવામાં હોડ લાગી હતી. કહો કે વર્ષનો આખરી દિવસ થર્ટી ફર્સ્ટ ડે ખાસ બની ગયો છે અને ઇસુના નવા વર્ષનો પહેલો દિવસ નહીં પણ પહેલી મિનિટ જિંદગીના ઉત્સવ અને ઉજવણી માટે ખાસ બની ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.