અંબાજી સર્કલ પર માસ્ક પહેર્યું ન હોવાનું કહીને પોલીસે એક વાહનને રોક્યું હતુ. જેમાં એક સગર્ભાને હોસ્પિટલમાં લઈ જવાતી હતી. પરંતુ પોલીસે માનવતાને નેવે મુકીને આ વાહનને અંબાજી પોલીસ મથકે લઈ જઈ એક કલાકથી વધુ રોકી રાખ્યુ હતુ. જેને કારણે મહિલાના ગર્ભમાં રહેલા બાળનું મોત નીપજ્યુ હતુ.
જેને પગલે આ સમાજના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો હતો. તેઓએ મૃતક બાળકને અંબાજી પોલીસ મથકે લાવી પીએસઓના ટેબલ પર મૂકી જવાબદારો સામે સખત પગલાં ભરવાની માગ કરી હતી. રાધાબહેન પીરાજી રબારી નામની ગર્ભવતી મહિલાને પ્રસૂતાની પીડા ઊપડતા તેમના પરીવારજનો ગાડીમાં પાલનપુર જવા રવાના થયા હતા.
પરંતુ અંબાજી સર્કલ પર ફરજ પરના પોલીસ કર્મીઓ દ્વારા ગાડીમાં બેસેલા સગાંઓએ માસ્ક ન પહેર્યું હોઈ કાર્યવાહી કરવાનું કહ્યું. સગાંઓએ આજીજી સાથે કહ્યું કે ગાડીમાં સગર્ભા બહેન છે જેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી જરૂરી છે. જે કાર્યવાહી કરવાની થાય તે ઝડપી કરી અમોને જવા દો. અમે અંબાજીના જ છીએ.
આ મહિલાને દવાખાને મૂકીને અમે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જઈશું. છતાં પોલીસે સગર્ભા સાથેના વાહનને અંબાજી પોલીસ મથકે લઈ ગઈ હતી. આ સમયે સગર્ભા કણસતી રહી હતી. એક કલાકથી વધુ સમય વાહનને અંબાજી પોલીસ મથકે રોકી રખાયુ હતુ.
જેથી મહિલાની તબિયત વધુ ખરાબ થતાં પહેલાં પાલનપુર હોસ્પિટલે બાદમાં પાટણ હોસ્પિટલમાં લઈ જવાઈ જ્યાં ડોક્ટરોએ ડિલિવરી કરાવાતા મૃત બાળક પેદા થયું હતું. પોલીસની અમાનવીય હરકતથી સમાજમાં આજે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.