Ambulance Blast Video : મહારાષ્ટ્રના જલગાંવમાં એક દુર્ઘટનામાં ગર્ભવતી મહિલા અને તેમના પરિજનોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. વાસ્તવમાં જલગાંવ જિલ્લામાં ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં એક દર્દનાક અકસ્માત ટળી ગયો હતો. આ ઘટનામાં થોડી જ વારમાં એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં ગર્ભવતી મહિલા અને તેનો પરિવાર બેઠો હતો. જોકે સગર્ભા મહિલા અને તેના પરિવારજનોનો જીવ બચી ગયો હતો. આ વિસ્ફોટથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના જલગાંવના દાદાવાડી વિસ્તાર પાસે નેશનલ હાઈવે પર બની હતી.
એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ શું ?
પ્રાથમિક જાણકારી અનુસાર એમ્બ્યુલન્સ જલગાંવ જિલ્લા હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે અચાનક ઓક્સિજન સિલિન્ડર ફાટતાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. ડ્રાઈવરે તરત જ એમ્બ્યુલન્સ રોકી અને તમામ મુસાફરોને બહાર નીકળવા કહ્યું. ડ્રાઈવરે નજીકના લોકોને પણ એલર્ટ કર્યા. આ તરફ બધાને સલામત સ્થળે લઈ ગયા. થોડી જ વારમાં એમ્બ્યુલન્સમાં જોરદાર આગ ફાટી નીકળી હતી અને થોડીવારમાં આખી એમ્બ્યુલન્સ આગની લપેટમાં આવી ગઈ હતી.
વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ તરફ હવે એમ્બ્યુલન્સમાં થયેલા વિસ્ફોટનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એમ્બ્યુલન્સમાં આગ ફેલાઈ અને વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો. આ બ્લાસ્ટને કારણે આસપાસના ઘરોના કાચ પણ તૂટી ગયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ઓક્સિજન ટેન્કની સુરક્ષાને લઈને સવાલો વચ્ચે પોલીસ તપાસ શરૂ
જલગાંવમાં થયેલા આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે સમયસર સમજદારી દાખવી મહિલાનો જીવ બચી ગયો હતો. તેણે મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા એટલું જ નહીં લોકોને આ ઘટનાથી દૂર રહેવા ચેતવણી પણ આપી. તેમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સગર્ભા મહિલા અને તેનો પરિવાર સુરક્ષિત છે અને ઘટનાને કારણે સ્થાનિક લોકો ડ્રાઇવરના વખાણ કરી રહ્યા છે. ઘટના બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, એમ્બ્યુલન્સ અંગે હજુ ઘણી હકીકતો બહાર આવવાની બાકી છે. આવી ઘટનાઓ બાદ એમ્બ્યુલન્સની જાળવણી અને ઓક્સિજન ટેન્કની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ આ અંગે સ્થાનિક પ્રશાસન પાસેથી માહિતી લઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.