દરેક સરકારી હોસ્પિટલમાં પથારીઓ ખૂટી પડી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી. આવી પરિસ્થિતિ વચ્ચે મહાનગર અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ચિત્ર સામે આવ્યું છે. અમદાવાદ શહેરની 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 24 કલાક દર્દીઓને સારવાર કરવામાં આવી રહી છે.
કોરોનાથી સંક્રમિત દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સ 2 કલાકથી પણ વધુ સમય સુધી વેઈટિંગમાં પડી રહે છે. આ સાથે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપી સારવાર શરૂ કરી દેવામાં આવે છે. અમદાવાદમાં જાણે કોઈ માયાવી રાક્ષસનો ઓછાયો પડ્યો હોય એવી સ્થિતિ સામે આવી છે. લોકો પોતાના સ્વજનોના જીવ બચાવવા માટે દવા-ઈન્જેક્શન લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે.
હોસ્પિટલમાં જાણે કીડીયારૂ ઊભરાયું હોય એ રીતે લોકો પડાપડી કરે છે. બીજી તરફ સ્મશાનમાં જાણે ભરતી આવી હોય એવો માહોલ છે. અંતિમ સંસ્કાર કરવા માટે પણ રાહ જોવી પડે છે. સોમવારે રાત્રિના સમયથી મંગળવારની સવાર સુધી એક 108 સતત સિવિલના ગેટ પાસે ઊભી હતી. રાત આખી વીતી ગઈ પણ દર્દીઓને એડમીટ કરાયા ન હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓની યોજાયેલી બેઠકમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, હર્ષદ પટેલ, ઓમ પ્રકાશ તિવારી, સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી, ડૉ. રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોશીએ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી છે. ડૉ. જે.વી. મોદીએ કહ્યું કે, મુખ્યમંત્રી રૂપાણી સાથે વાતચીત કરવામાં આવી છે. તેમણે પણ અહીં રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે વાતચીત કરી છે. અમદાવાદ શહેરમાં દૈનિક કેસની સંખ્યા રેકોર્ડ બનાવી રહી છે. છેલ્લાં 24 કલાકમાં 1504 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.