AMCમાં રોજ 1000 ફરિયાદોનો યોગ્ય નિકાલ ન લવાતા કમિશ્નર બગડ્યાં, આપ્યો આ આદેશ

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરાય છે, પરંતુ સામાન્ય નાગરિકોને ઊભરાતી ગટર, બંધ સ્ટ્રીટલાઇટ, રસ્તા પર પડેલાં મૃત પશુનો ‌નિકાલ જેવી સામાન્ય ફરિયાદોના સમયસર ‌નિકાલ માટે આંખમાં પાણી આવી જાય છે. છેક વર્ષ ર૦૧રથી શહેરીજન ટોલ ફ્રી નં.૧પપ૩૦૩ પર ફરિયાદ કરી શકે તે માટે ખાસ કો‌મ્પ્રિહેન્સિવ કમ્પ્લેન રિડ્રેસલ સિસ્ટમ (સીસીઆરએસ)ની વ્યવસ્થા કરાઇ હોવા છતાં તેને નઘરોળ તંત્રના અનેક અધિકારીઓ દ્વારા ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ તરીકે લેવાતી હોઇ તે ફરિયાદના નિવારણ માટે ઉપયોગી પુરવાર થઇ નથી.

સીસીઆરએસ હેઠળ રોડ પરના ખાડાને પૂરવાની ફરિયાદ પણ ટોલ ફ્રી નં.૧પપ૩૦૩ પર લખાવી શકાય છે. આ ફરિયાદના નિકાલની સમયમર્યાદા એટલે કે સર્વિસ લેવલ એસેસમેન્ટ (એસએલએ) ર૪ કલાકની છે, પરંતુ ર૪ કલાકમાં ખાડા પુરાતા નથી. સફાઇને લગતા પ્રશ્નોનો નિકાલ બાર કલાકમાં કરવાનો હોય છે. રસ્તા પર ધરાશાયી થયેલ વૃક્ષને પણ ર૪ કલાકમાં ખસેડવું પડે છે. ઊભરાતી ગટરની સમસ્યાનું ર૪ કલાકમાં નિરાકરણ લાવવું પડે છે. બગીચામાં બંધ સ્ટ્રીટલાઇટ, રમતગમતનાં તૂટેલાં સાધન, આડેધડ ઉગેલી લોન, વોક-વે જેવી વિવિધ ફરિયાદોના ‌નિકાલ માટે ર૪ કલાકથી લઇને છથી સાત દિવસનો સમય હોય છે.

જાણકાર સૂત્રો કહે છે, તાજેતરમાં કમિશનર વિજય નેહરાએ સીસીઆરએસ સિસ્ટમનો વિસ્તૃત ‌રિવ્યૂ લીધો હતો. ગમે ત્યારે ફરિયાદને ક્લોઝ કરનારા ડ્રેનેજ, એસ્ટેટ, ગાર્ડન જેવા વિભાગના અધિકારીઓ પર કમિશનર બગડ્યા હતા. કેટલાક વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે સમયમર્યાદામાં થયેલા વિલંબ બદલ કોઇ જવાબ ન હતો. મધ્યઝોનના ડ્રેનેજના પ્રશ્નો બાબતે ઝોનના ઇજનેર વિભાગના વડા પાસે કોઇ વિસ્તૃત માહિતી જ નથી. સિટી ઇજનેર કક્ષાના ઉચ્ચ અધિકારીને તેમણે ફરિયાદના નિકાલમાં થયેલા વિલંબ બદલ ડિટેલ પ્રેઝન્ટેશનનો આદેશ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.