AMCની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે નારણપુરા અને વસ્ત્રાલ વોર્ડના કોંગ્રેસના બે મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા હતા.
ભાજપના મહિલા ઉમેદવાર બ્રીન્દાબહેન સુરતીને બિનહરિફ જાહેર કરાયા છે. વસ્ત્રાલ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે પણ અન્ય પક્ષના ઉમેદવારોને કારણે અહીં ચૂંટણી જંગ જામશે. ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ ૧૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે AMCની ચૂંટણીમાં ૧૯૧ બેઠકો માટે ૭૭૧ ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
શહેરમાં ઉમેદવારો પસંદગી કરતી વેળાએ દાવેદારો પાસેથી હું પક્ષપલટો નહીં કરું તેવું સોગંદનામુ લેવાની નીતિ ઘડનારા કોંગ્રેસના મોવડી મંડળની ઘોર બેદરકારી સામે આવી છે. નારણપુરા વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના નેતાઓ ઊંઘતા ઝડપાઇ ગયા છે.
ભાજપ દ્વારા નારણપુરા વોર્ડની એક બેઠક બિનહરિફ કબજે કરી લીધી છે. નારણપુરામાં બે પુરુષ અને એક મહિલા બેઠક મળી કુલ ત્રણ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. વસ્ત્રાલ વોર્ડમાં કોંગ્રેસના ભારતીબહેન પંચાલે ફોર્મ પરત ખેંચી લીધું છે જેથી વસ્ત્રાલની ચાર પૈકી એક બેઠક ઉપર કોંગ્રેસ હારી ગઇ છે.
AMCની ચૂંટણીમાં કોંગ્રેસે બે દિવસમાં ચાર બેઠકો ગુમાવી દીધી છે. ગઇકાલે ફોર્મ ચકાસણી દરમિયાન સરદારનગરથી કોંગ્રેસના મહિલા ઉમેદવારના ફોર્મમાં ટેકેદારની સહી ન હોવાના કારણે ઉમેદવારી રદ થઇ હતી તો બીજી તરફ ઠક્કબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના પુરુષ ઉમેદવારે એફિડેવીટ ૧૫ મીનિટ મોડી જમા કરાવતાં તેમની ઉમેદવારી રદ થઇ હતી. આજે નારણપુરા વોર્ડ અને વસ્ત્રાલ વોર્ડમાં મહિલા ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે. હવે કોંગ્રેસે ૧૯૨ પૈકી ચાર બેઠકો ગુમાવી દીધી છે.
શહેરના ૪૮ વોર્ડની ૧૯૧ બેઠકો માટે ૭૭૧ ઉમેદવારો મેદાને છે. અમદાવાદ શહેરની એક બેઠક બિનહરિફ થતાં ૧૯૧ બેઠકો ઉપર ભાજપના ૧૯૧, કોંગ્રેસના ૧૮૮, આમ આદમી પાર્ટીના ૧૫૫, બીએસપીના ૫૪, અન્ય નાના પક્ષોના ૯૭ અને અપક્ષ ૮૬ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.