અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વાર વર્ષ 2017ના ચોમાસામાં પડેલા સામાન્ય વરસાદમાં કોન્ટ્રાક્ટર અને ઇજનેર વિભાગની મિલીભગતથી બનેલા રોડ ધોવાઇ ગયા હતા. તે વખતે હાઇકોર્ટે બિસમાર રસ્તા, રખડતાં ઢોર, ટ્રાફિક નિયમનના મામલે થયેલી જાહેરહિતની અરજીના સંદર્ભે તંત્ર સામે લાલ આંખ કરતાં સમગ્ર મામલો રાજ્યભરમાં ગરમાયો હતો. નાછૂટકે મ્યુનિસિપલ સત્તાવાળાઓને રોડ કૌભાંડ મામલે તપાસનાં ચક્રો ગતિમાન કરવા પડ્યાં હતાં,
સામાન્ય વરસાદમાં રૂ.450 કરોડના ખર્ચે બનેલા 190 કિ.મી. રસ્તા ધોવાયા હતા- 7 એડિશનલ સિટી ઇજનેર સહિત કુલ 45 ઇજનેરને વિવિધ રોડ મામલે 81 નોટિસ ફટકારાઇ
- કસૂરવાર અધિકારીઓ સામે ઇન્ક્રીમેન્ટ રોકવા, ઠપકો આપવા તથા સસ્પેન્શન સુધીનાં પગલાં
છેલ્લાં બે વર્ષમાં તપાસની ગતિ સાવ ગોકળગાય જેવી
જોકે છેલ્લાં બે વર્ષમાં તપાસની ગતિ સાવ ગોકળગાય જેવી થતાં જાણે કે કેટલાક કસૂરવાર ઇજનેરોને બચાવવા ઇરાદાપૂર્વક સમગ્ર ફાઇલને દબાવી દેવાઇ હોવાની જોરશોરથી ચર્ચા ઊઠતી રહી છે, જોકે આ તપાસ હવે નિર્ણાયક તબક્કે પહોંચી હોઇ એકાદ માસમાં તેનો અહેવાલ તૈયાર થાય તેવી શક્યતા સર્જાતાં જવાબદાર અધિકારીઓ અને ઇજનેરોનું દીવાળી પછીનું નવું વર્ષ બગડે તેવી શક્યતા છે. જોકે કસૂરવાર અધિકારીઓ સામે ફોજદારી રાહે કેસ કરવા સુધીના પગલાં લેવાના મૂડમાં સત્તાધીશો નથી.
સામાન્ય વરસાદમાં રૂ.450 કરોડના ખર્ચે બનેલા 190 કિ.મી. રસ્તા ધોવાયા હતા
વર્ષ 2017ના ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં રૂ.450 કરોડના ખર્ચે બનેલા 190 કિ.મી. રસ્તા ધોવાયા હતા. વર્ષ 2015થી વર્ષ 2017 વચ્ચે થયેલા મોટા ભાગના નવા રસ્તા તૂટી જતાં શહેરજનો અભૂતપૂર્વ હાલાકીમાં મુકાયા હતા. અમદાવાદના બિસ્માર રસ્તાની હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લઇ તંત્રને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી કસૂરવારો સામે કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
ત્રણ કોન્ટ્રાકટરને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કર્યા હતા
હાઇકોર્ટના આદેશના પગલે તંત્રએ રોડની તપાસ હાથ ધરી હતી અને તેમાં વ્યાપક ડામરચોરી થઇ હોવાનું વિવિધ લેબ પરીક્ષણમાં બહાર આવ્યું હતું, જેના પગલે સત્તાવાળાઓએ ત્રણ કોન્ટ્રાકટરને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કર્યા હતા.
7 એડિશનલ સિટી ઇજનેર સહિત કુલ 45 ઇજનેરને વિવિધ રોડના મામલે 81 નોટિસ ફટકારાઇ
મ્યુનિસિપલ ઇજનેર વિભાગના કેટલાક ઉચ્ચ કક્ષાના ઇજનેરોથી લઇને વોર્ડ કક્ષાના ઇજનેરો હલકી ગુણવત્તાના બનેલા રોડના મામલે એક યા બીજા પ્રકારે તંત્રની તબક્કાવાર તપાસમાં દોષી પુરવાર થયા હતા, જેના કારણે જે તે સમયે 7 એડિશનલ સિટી ઇજનેર સહિત કુલ 45 ઇજનેરને વિવિધ રોડના મામલે 81 નોટિસ ફટકારાઇ હતી.
નવા પશ્ચિમ ઝોનમાં આઇઓસીના બોગસ બિલ પર રૂ.100 કરોડનું ચૂકવણું
આ શો-કોઝ નોટિસ આપ્યા બાદ રોડ કૌભાંડની તપાસ અગમ્ય કારણસર ધીમી પડી ગઇ હતી, જેનાથી સમગ્ર કૌભાંડમાં ભીનું સંકેલાઇ જશે તેવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચા ઊઠી હતી. આમ પણ નવા પશ્ચિમ ઝોનમાં આઇઓસીના બોગસ બિલ પર રૂ.100 કરોડનું ચૂકવણું થયું હોવાની બાબત પુરવાર થઇ હોવા છતાં આ સમગ્ર કાંડને અભરાઇએ ચડાવી દેવાયું છે.
સમગ્ર રોડ કૌભાંડની તપાસ નિર્ણાયક તબક્કે પહોંચી
દરમિયાન મ્યુનિસિપલ વહીવટી વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારી નામ ન આપવાની શરતે કહે છે કે સમગ્ર રોડ કૌભાંડની તપાસ નિર્ણાયક તબક્કે પહોંચી છે. જે તે ઇજનેરને અપાયેલી શો-કોઝ નોટિસના મળેલા જવાબની ઇન્ડિસ્ટ્રયલ રિલેશન વિભાગ દ્વારા ચકાસણી થઇ રહી છે. એક મહિનામાં જે તે ઇજનેર સામેની ફરિયાદને લગતો અહેવાલ તૈયાર થાય તેવી શક્યતા છે.
કસૂરવાર અધિકારીઓ સામે ઇન્ક્રીમેન્ટ રોકવા, ઠપકો આપવા તથા સસ્પેન્શન સુધીનાં પગલાં
ત્યારબાદ તે અહેવાલના આધારે વહીવટીતંત્રના ઉચ્ચ વડા દ્વારા કસૂરવાર અધિકારીઓ સામે ઇન્ક્રીમેન્ટ રોકવા, ઠપકો આપવા તથા સસ્પેન્શન સુધીનાં પગલાં લેવાશે. જોકે કેટલાક સસ્પેન્ડેડ ઇજનેરને પરત નોકરી પર ચડાવતાં ઊઠેલા વિવાદ અંગે આ ઉચ્ચ અધિકારી કહે છે કે આ નિર્ણય જે તે સ્થિતિની સમીક્ષાના આધારે લેવાયો છે, પરંતુ આ તમામ ઇજનેર તપાસને આધીન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.