અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ 35 દિવસે પણ સાજો થયો નથી, ભારત સરકારને જાણ કરાઈ

 

અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનો જે પહેલો કેસ નોંધાયો હતો, તે દર્દી આજે 35 દિવસ બાદ પણ સારવાર હેઠળ છે. તમામ કેસોમાં આ ખાસ પ્રકારનો કેસ છે.

આ કેસ અંગે ભારત સરકારને જાણ કરાઈ
કોરોનાના આ ખતરનાક કેસ અંગે ભારત સરકારને પણ જાણ કરવામાં આવી છે. કમિશ્નર નહેરાએ ફરી એક વખત લોકોને લોકડાઉનનું કડક પાલન કરવાની સલાહ આપી છે. વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના કરતા નાગરિકો નિયમોનું પાલન નથી કરતા તે વધુ પડકારજનક છે.

આ કેસ પરથી જાણી શકાય, કોરોના કેટલો ખતરનાક
વધુમાં તેમણે કહ્યું કે, મધ્ય ઝોનમાં નાગરિકો કોરોનાની ગંભીરતાને સમજ્યા વગર લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આથી લોકોને સમજાવવા એ અમારા માટે મોટો પડકાર છે. વિજય નહેરાએ કહ્યું કે, અમદાવાદમાં સતત વધી રહેલા કેસો વચ્ચે પ્રોએક્ટિવ સર્વેલન્સનું તંત્રને ખુબ સારું પરિણામ મળ્યું છે.

અમદાવાદમાં કોરોનાનો હનુમાન કૂદકો
અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ, તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી 3 જ દિવસમાં આવ્યા હતા અને કાલે તો એક જ દિવસમાં 100 કેસો આવતા આખું તંત્ર ઊંધામાથે લાગી ગયું છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 11મી એપ્રિલે 468 કેસ હતા, અને માત્ર 5 દિવસમાં જ ડબલ એટલે કે, 17 એપ્રિલે 1021 કેસ થઈ ગયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.