અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનમાં અમદાવાદની મુલાકાત આવવાના છે. ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જ થશે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાતનો કાર્યક્રમ અમદાવાદમાં ફાઈનલ થયો છે અને આ કાર્યક્રમને વ્હાઈટ હાઉસથી પણ લીલી ઝંડી મળી છે. આગામી 24થી 27 ફેબ્રુઆરી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ અમદાવાદ આવશે. ત્યારે તેમની સ્ટેડિયમના કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસે અને એસપીજી સહિતની એજન્સીઓએ સ્ટેડિયમનું નિરિક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદીના સંભવિત કાર્યક્રમને લઈને આજે અમદાવાદમાં એક સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં બન્ને દિગ્ગજ નેતાઓની મુલાકાત હોવાથી સુરક્ષાને લઈને પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા અને સ્પેશિયલ સીપી અજય તોમર સ્ટેડિયમ પહોંચ્યા હતા અને તેમણે મોટેરા સ્ટેડિયમની સુરક્ષાને લઈને સમીક્ષા કરી હતી. મોટેરા સ્ટેડિયમમાં સુરક્ષાના કારણોસર એસપીજીની ટીમ અને સુરક્ષા એજન્સીઓ પણ હાજર રહ્યા હતા.
અમદાવાદના મોટેરા ખાતે નવા બનેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે અને એક લાખની જનમેદનીને સંબોધન કરશે. મોટેરા સ્ટેડિયમ ઉપરાંત સાબરમતી ખાતેના ગાંધી આશ્રમની પણ બન્ને મહાનુભવો મુલાકાત લેશે. મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ દિવસનો નક્કી કરવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ ટ્રમ્પ માટે હોટલ બુકિંગની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. એરપોર્ટ ખાતેની તાજ ઉમેદ અથવા વસ્ત્રાપુરની હયાત હોટલ આખેઆખી બુક કરાવાશે તેમ સત્તાવાર સૂત્રોનું કહેવું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.