અમદાવાદના મોટાભાગના મંદિરો પણ બંધ રહી ‘જનતા કર્ફ્યૂ’માં જોડાશે

દેશભરમાં ૨૨ માર્ચે ‘જનતા કર્ફ્યૂ’ જાહેર કરવામાં આવ્યો છે. જનતા કર્ફ્યૂમાં જોડાઇને અમદાવાદના અનેક મંદિરોએ પણ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રાખવાની જાહેરાત કરેલી છે.

કડવા પાટીદારોના પ્રસિદ્ધ ઐતિહાસિક નિજ મંદિર ઉંઝા ખાતેનું ઉમિયા માતાજીનું મંદિર ઈતિહાસમાં પ્રથમવાર ૨૧ માર્ચથી ૩૧ માર્ચ સુધી યાત્રિકોના દર્શન માટે બંધ રહેશે. મંદિરની શાસ્ત્રોક્ત પૂજા-અર્ચના-પક્ષાલ વિધિ-શણગાર-આરતી જેવી ધાર્મિક વિધિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

જોકે, અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરને બંધ રાખવું કે કેમ તેના અંગે હજુ નિર્ણય લેવાયો નથી.

આગામી રવિવારે ઈસ્કોન મંદિર જાહેર જનતા-બિનનિવાસી ભક્તો માટે બંધ રહેશે. આ ઉપરાંત ૨૭ માર્ચથી૨ એપ્રિલ સુધી ઈસ્કોન મંદિરમાં યોજાનારા ૨૩મા પાટોત્સવનું આયોજન રદ કરાયું છે. આ ઉત્સવ માટે વિદેશથી ૧૦૦થી વધુ ભક્તો આવવાના હતા. આ ઉપરાંત રામ નવમીની ઉજવણી પણ સાદગીથી કરાશે. કોરોના સામે તકેદારીના ભાગરૃપે હરે કૃષ્ણ મંદિર-ભાડજ ૨૦થી ૩૧ માર્ચ સુધી જાહેર જનતા માટે બંધ રહેશે. હરેકૃષ્ણ મંદિર દ્વારા ભક્તોને ઘરે બેસીને હરેકૃષ્ણ મંત્રનો જાપ કરવા અનુરોધ કરાયો છે. વિશ્વભરના બીએપીએસ મંદિરોમાં દર્શન તેમજ અક્ષરધામ ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. સ્વામિનારાયણ મંદિર-કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૫ઃ૩૦થી ૬ મંગળા આરતી-સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાશે. સવારે ૭ બાદ દર્શનાર્થીઓને દર્શનનો લાભ નહીં મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.