અમદાવાદનાં Dominos pizzaનાં પિઝામાંથી જીવાત નીકળતા સીલ કરાયું, અનેક ફૂડ ઝોનમાં કરાયો દંડ

અમદાવાદીઓને બહારનું ખાવાનાં બહું જ ચટાકા છે તેમાં પણ બ્રાન્ડેડ ફૂડનો ઘણો જ ચસકો લાગ્યો છે ત્યારે એક આંખ ઉધાડનાર કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલા ડોમિનોઝ પિઝામાંથી મંગાવેલા પિઝામાં જીવડું આવતા મ્યુનિ. હેલ્થ ખાતાને જાણ કરવામાં આવી હતી. જે બાદ મોડી સાંજે તેને સીલ કરી દેવામાં આવ્યું હતું.

આ વિવાદને પગલે શુક્રવારે એટલે ગઇકાલે દિવસ દરમિયાન હેલ્થ ખાતાએ ચકાસણી દરમિયાન રસોડામાં સ્વચ્છતા અંગેના જરૂરી નીતિ નિયમોનું પાલન ન થતું જોવા મળતા કુલ 27 ખાદ્યપદાર્થોનાં એકમોને નોટિસ ફટકારાઇ હતી. જેમાં 47 હજાર રૂપિયાથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો છે.

આ અંગે હેલ્થ અધિકારી ડૉ. ભાવિન જોશીએ જણાવ્યું કે, ‘ડોમિનોઝ પિઝાને સીલ કરવામાં આવ્યું છે. શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટના ફૂડમાં વંદા નીકળવાના બનાવોને પગલે સફાળા જાગેલા તંત્રએ શુક્રવારે વધુ 34 હોટેલ-રેસ્ટોરન્ટની તપાસ કરી 27 એકમોને નોટિસ આપી છે. તે ઉપરાંત 87 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરી 47,500નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. 3 નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.’

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા મણિનગરનાં ઓનેસ્ટના ઢોંસામાંથી તેમજ ડ્રાઇવિંગ રોડ પરની સંકલ્પ હોટલનાં ઇડલી-સંભારમાંથી વંદા નીકળવાની ઘટના પણ સામે આવી હતી. જે બાદ શુક્રવારે સત્તાધાર ચાર રસ્તા પાસેના ડોમિનોઝ પિઝાના આઉટલેટમાંથી ઓર્ડર કરાયેલા પિઝામાંથી જીવાત નીકળવાના મામલે મ્યુનિ.તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને તેને સીલ મારી દેવાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.