અમદાવાદ માં શાહીબાગની 8 ગૃહિણીએ ફૂટપાથ પર સ્કૂલ શરૂ કરી, રોજ 200 બાળકને મફતમાં શિક્ષણ આપે છે

અમદાવાદ: અત્યંત ગરીબ વર્ગના અને પૈસાના અભાવે મોંઘા ટયૂશનનો ભાર નહીં વેઠી શકતા વિદ્યાર્થીઓને શાહીબાગની ગૃહિણીઓ મફતમાં ટ્યૂશન આપે છે. એક ગૃહિણીએ કરેલી શરૂઆત આજે સંધ્યા શાળા ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે. જ્યાં 200 ગરીબ બાળક દરરોજ સાંજે શિક્ષણ મેળવી રહ્યા છે.

બાળક દીઠ રૂ.500 આપવાનું નક્કી કર્યું

3 વર્ષથી કાર્યરત સંધ્યા શાળા ફાઉન્ડેશન સાથે સંકળાયેલી 8 બહેનો અને 1 ભાઈએ આદરેલી પહેલ હેઠળ 200 બાળકો અભ્યાસ કરે છે. સંસ્થા સાથે સંકળાયેલા સંગીતા આસુદાની તેમની દીકરીના જન્મદિન પ્રસંગે ગરીબ પરિવારોને મિઠાઈ વહેંચવા ગયા ત્યારે એક શિક્ષક 30 બાળકોને અભ્યાસ કરાવતા હતા. ત્યારે ત્યાં હાજર બાળકોના વાલીઓને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે અમારી આર્થિક નબળી પરિસ્થિતિના કારણે અમે અમારા બાળકોના શિક્ષણ માટે આ શિક્ષકની પંસદગી કરી છે. અને બાળક દીઠ રૂ.500 આપવાનું નક્કી કર્યું છે.આ વાત જાણ્યા પછી સંગીતાબહેને બાળકોને સાંજે ભણાવવાનું શરૂ કર્યુ અને બીજી બહેનો તેમજ એક ભાઈએ સાથ આપ્યો. હાલમાં સંગીતાબહેન, શશી દેવપુરા, રેનુ ચડ્ડા,અંજુ મહેશ્વરી, જ્યોતિ બાંગડ,નીતુ ગુપ્તા, મિતાલી પટેલ, અક્સા મનાની તથા વિપુલ બથવાલ બાળકોને રોજ 5.30 થી 6.30 સુધી અભ્યાસ કરાવે છે.

બાળકોને પિકનિક પર પણ લઈ જવાય છે

બાળકોની નવું જાણવાની ઈચ્છા પૂર્ણ કરવા પિકનિક જેવા કાર્યક્રમોનું પણ સંધ્યા ટ્રસ્ટ આયોજન કરે છે. બાળકોને ઉદ્દભવતા પ્રશ્નોનું નિરાકરણ આવે અને તેમની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય તે માટે શિક્ષકો પ્રોત્સાહન આપે છે. 15 ઓગસ્ટે બાળકોએ દેશભક્તિના ગીતો અને સ્વચ્છતાનો સંદેશો આપતા નાટકો ભજવ્યા હતા,જેમાં રિવરફ્રન્ટ ઈસ્ટના પી.આઈ. જી.એચ.પઠાણ હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.