ભારત અને ચીનનાં જવાનો વચ્ચે પુર્વી લદાખની ગાલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ ઊભી થયેલી પરિસ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.
આ દરમિયાન કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ 20 ભારતીય જવાનોની શહીદી બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં દેશના સુરક્ષા દળો પ્રત્યે એકજૂટતા રજૂ કરી હતી.
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આકરુ વલણ અપનાવતા સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે સરકાર આ આશ્વાસન આપે કે એલએસી પર પરિસ્થિતિ પૂર્વવત થાય અને ચીની સૈનિકો પોતાની જૂની જગ્યાએ પરત ફરે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે સરકાર આ સમગ્ર મામલે વિરોધ પક્ષો અને જનતાને વિશ્વાસમાં લે તથા સ્થિતિ અંગે નિયમિત રીતે માહિતી આપતી રહે.
સોનિયા ગાંધીએ શહીદ જવાનોને નમન અને ઈજાગ્રસ્ત જવાનો ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. જોકે, તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ચીની સૈનિકોની ઘૂસણખોરી ક્યારે થઈ હતી અને તેમાં કોઈ ઈન્ટેલિજન્સ ફેલ્યોર છે?
તેમણે કહ્યું હતું કે આ બેઠક તે સમયે જ બોલાવવી જોઈતી હતી જ્યારે સરકાર પાસે કથિત રીતે આની જાણકારી આવી હતી કે ચીની સૈનિકોએ પાંચમી મેએ ઘૂસણખોરી કરી હતી. હંમેશની જેમ દેશ મજબૂત રીતે એકજૂટ ઊભો રહેતો અને દેશની અખંડતાની રક્ષા કરવામાં સરકારનો સહયોગ કરતો.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે આજની સ્થિતિમાં પણ અમે આ સંકટના મહત્વના પાસા અંગે અજાણ છીએ. તેવામાં અમે સરકારને સવાલ કરવા ઈચ્છીએ છીએ કે કઈ તારીખે ચીનના સૈનિકોએ
ઘૂસણખોરી કરી હતી? સરકારને આ અંગે જાણકારી ક્યારે મળી? શું આ પાંચ મેના રોજ થયું હતું જેવું મીડિયા રિપોર્ટમાં હતું કે તેના પહેલા થયું હતું?
તેમણે તે પણ સવાલ કર્યો હતો કે શું સરકારને આપણી સરહદોની ઉપગ્રહમાંથી લેવામાં આવતી તસવીરો નિયમિત રીતે મળતી નથી? શું આપણી બાહ્ય ગુપ્તચર એજન્સીઓએ એલએસી પર કોઈ અસામાન્ય ગતિવિધિ અને મોટા પાયા પર સૈનિકો હોવા અંગે રિપોર્ટ ન હતો આપ્યો? શું સરકાર મુજબ ગુપ્તચર નિષ્ફળતા હતી?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.