લદાખ સરહદનો વિવાદ ઉકેલવા માટે બંને દેશોના મેજર જનરલ લેવલે સંવાદ થયો હતો. લશ્કરી સૂત્રોના કહેવા પ્રમાણે બંને દેશો વિવાદ ઉકેલવા કટિબદ્ધ છે. લદાખ સરહદના જે સ્થળોએ તંગદિલી છે, ત્યાં તબક્કાવાર સ્ટેન્ડ ઓફની સ્થિતિનો અંત લવાશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચીન-ભારતના સરહદી વિવાદ મુદ્દે મીડિયાને જણાવ્યું હતું કે બંને દેશો સાથે મળીને આ વિવાદ ઉકેલશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું ઃ ‘અમે ભારત સાથે મળીને લદાખમાં ઉદ્ભવેલા વિવાદનો અંત લાવવા પ્રયાસો કરીશું. બને દેશોએ લશ્કરી સ્તરે પ્રયાસો શરૂ કર્યા છે અને તેના અસરકારક પરિણામો મળી રહ્યા છે. બંને દેશોના લશ્કરી અધિકારીઓ વિવાદ ઉકેલવા હકારાત્મક રીતે આગળ વધી રહ્યા છે’.
બંને દેશોના લશ્કર વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. અગાઉ એક વખત અધિકારીઓ સાથે વાતચીત થઈ હતી. એ વખતે કોઈ રસ્તો નીકળ્યો ન હતો, પરંતુ વાતચીત આગળ વધારવા સહમતિ થઈ હતી. એ પછી મેજર જનરલ સ્તરે વાર્તાલાપ થયો હતો. આગામી દિવસોમાં કર્નલ અને બ્રિગેડિયર સ્તરે પણ બેઠકો થશે. ભારતીય સૈન્યના સૂત્રોને ટાંકીને પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે ચારેક કલાક ચાલેલી બેઠકમાં બંને દેશોના સૈનિકોની સ્ટેન્ડ ઓફની સ્થિતિનો અંત લાવવાની દિશામાં હકારાત્મક વાતચીત થઈ હતી. જે સ્થળોએ તંગદિલી વધારે છે ત્યાંથી તબક્કાવાર રીતે બંને દેશોના સૈનિકો પોત-પોતાનું સ્થાન લેશે. ભારતે મેજર જનરલ લેવલની બેઠકમાં ભારતની સરહદમાં ઘૂસી આવેલા ચીની સૈનિકોને પાછા બોલાવી લેવાની માગણી કરી હતી. સ્ટેન્ડ ઓફ પોઈન્ટ્સ પરથી તાત્કાલિક ચીન પીછેહઠ કરે એવી રજૂઆત ભારતીય લશ્કરી અધિકારીઓએ કરી હતી.
જોકે, બંને દેશોએ વાતચીત અંગે સ્પષ્ટ માહિતી આપી ન હતી. કઈ બાબતે સહમતિ થઈ તે અંગે કોઈ જ સત્તાવાર જાણકારી અપાઈ ન હતી, પરંતુ બંને પક્ષે હકારાત્મક દિશામાં પરિણામલક્ષી સંવાદ થયો હોવાનો દાવો થયો હતો.
આ 1962નું નહીં, 2020નું ભારત છે : રવિશંકર પ્રસાદ
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે ચીન-ભારતના સરહદી વિવાદ મુદ્દે કહ્યું હતું કે હવે આ ૧૯૬૨નું ભારત નથી. આ ૨૦૨૦નું નરેન્દ્ર મોદીનું ભારત છે. આ ભારત દુશ્મનોને તેની જ ભાષામાં જવાબ આપી શકવા સક્ષમ છે. કોંગ્રેસની ટીકાના સંદર્ભમાં નિશાન સાધતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ભારતનું સુકાન નરેન્દ્ર મોદી જેવા સાહસી નેતાના હાથમાં છે. કોંગ્રેસી નેતાઓના હાથમાં નથી. આ ભારત તેમની સામે આંખ બતાવનારાને જડબાતોડ જવાબ આપે છે. તેનો પરચો બાલાકોટ અને ઉરીમાં દુશ્મનોને મળી ચૂક્યો છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે હિમાચલ પ્રદેશની એક વર્ચ્યુઅલ રેલીને સંબોધતી વખતે આ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટર પર સવાલો કર્યા તેનો ઉલ્લેખ કરીને રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આવા મુદ્દા પર ટ્વીટરમાં સવાલ કરવો યોગ્ય નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.