અમે ચીનને કબજો નહીં જમાવવા દઈએ, ભારતને આપીશું સૈન્ય સહાયતાઃ અમેરિકા

અમેરિકાનું મિશન વિશ્વને જ્ઞાત થાય કે અમેરિકા આજે પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ સૈન્ય તાકાત છે તે સુનિશ્ચિત કરવાનુ

ભારત અને ચીનના સરહદી વિવાદ વચ્ચે અમેરિકાએ નીડરતાપૂર્વક કહી દીધું છે કે, તે પ્રશાંત મહાસાગર હોય કે તેનાથી આગળ, પોતાની પ્રભાવી શક્તિની ભૂમિકાથી પીછેહઠ નહીં કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસના કહેવા પ્રમાણે ભારત અને ચીનના વિવાદ સાથે સંકળાયેલો મુદ્દો હોય કે પછી બીજું કાંઈ પણ તેમનું (અમેરિકાનું) વલણ આકરૂં જ રહેશે. વધુમાં તેમણે ચીનની સરહદ સાથે જોડાયેલા કોઈ દેશ બેઈજિંગની આક્રમક કાર્યવાહીથી સુરક્ષિત નથી તેમ પણ જણાવ્યું હતું.

તણાવના માહોલ વચ્ચે દક્ષિણ ચીની સમુદ્રમાં બે એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરવા મામલે મેડોસે જણાવ્યું કે, ‘અમારો સંદેશો સ્પષ્ટ છે. અમે મૂકદર્શક નહીં બની રહીએ. ચીન હોય કે કોઈ બીજું, અમે તે વિસ્તાર કે અન્ય કોઈ જગ્યાએ બીજા કોઈ દેશને સૌથી શક્તિશાળી, પ્રભાવી તાકાતનો દરજ્જો નહીં લેવા દઈએ. અમારી સૈન્ય તાકાત મજબૂત છે અને ભવિષ્યમાં પણ મજબૂત જ રહેશે. પછી તે ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષ સાથે સંકળાયેલો મુદ્દો હોય કે કોઈ અન્ય.’

‘અમેરિકા આજે પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ સૈન્ય તાકાત’

મેડોસના કહેવા પ્રમાણે અમેરિકાનું મિશન વિશ્વને જ્ઞાત થાય કે અમેરિકા આજે પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ સૈન્ય તાકાત છે તે સુનિશ્ચિત કરવાનું છે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ચીને સોમવારે કહ્યું હતું કે, ‘આગળના મોરચે તૈનાત સૈનિકો ભારત સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગાલવાન ઘાટીમાં પીછેહઠ કરવા અને તણાવ ઘટાડવાની દિશામાં પ્રગતિ માટે પ્રભાવી પગલા ભરી રહ્યા છે.’

નવી દિલ્હીમાં સરકારી સૂત્રોએ ક્ષેત્રમાંથી સૈનિકોની પીછેહઠના પ્રથમ સંકેતરૂપે ગાલવાન ઘાટીના કેટલાક ક્ષેત્રોમાં ચીની સેના તંબુ હટાવતી અને પાછી જતી દેખાઈ હોવાનું જણાવ્યું તેવા સમયે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજાનની ટિપ્પણી સામે આવી હતી. આ ગાલવાન ઘાટીનું એ સ્થળ છે જ્યાં 15મી જૂનના રોજ બંને દેશના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો વીરગતિ પામેલા. આ અથડામણમાં ચીની સેનાને પણ નુકસાન થયેલું પરંતુ ચીને હજુ સુધી તે અંગે કશું પણ જાહેર નથી કર્યું.

પોઈન્ટ-14 ખાતે ચીનની પીછેહઠ

નવી દિલ્હીના સૂત્રો દ્વારા આપવામાં આવેલા અહેવાલ પ્રમાણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની ટીમ પોઈન્ટ-14 ખાતેથી પોતાના તંબુ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર દૂર કરતી જોવા મળી છે. ચીની સૈનિકોના વાહનો ગાલવાનના સામાન્ય ક્ષેત્ર અને ગોગ્રા હોટ સ્પ્રિંગ્સમાં પાછા જતા દેખાયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.