– રશિયામાં કેસ 32 હજારે પહોંચતા પુતિનની ચિંતા વધી
– શરૂઆતમાં ઉત્સાહ દેખાડયા પછી હવે અમેરિકાને રિ-ઓપન કરવાની જવાબદારી ટ્રમ્પે રાજ્યો પર નાખી
અમેરિકામાં કોરોનાએ એક દિવસમાં સૌથી વધુ મોતનો વૈશ્વિક વિક્રમ નોંધાવ્યો છે. અમેરિકામાં ગઈ કાલે એક જ દિવસમાં ૪૫૯૧ મૃત્યુ નોંધાયા હતા. આટલી મોટી સંખ્યામાં મોત કોરોના શરૂ થયા પછી ક્યાંય નોંધાયા નથી. અમેરિકાએ એ બાબતમાં નેગેટિવ વિક્રમ નોંધાવ્યો છે. આ પહેલા બુધવારે ૨૫૬૯ મોતનો વિક્રમ નોંધાયો હતો, જે હવે તૂટયો છે. અમેરિકામાં કુલ કેસ પણ વધીને સાત લાખ નજીક પહોંચવા આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૩૫ હજારે પહોંચ્યો છે. આખા જગતમાં કોરોનાના કુલ કેસ ૨૨ લાખથી ઉપર, જ્યારે કુલ મોત દોઢ લાખ નોંધાયા છે. અમેરિકાના કટ્ટર હરિફ રશિયાની પણ ચિંતા કોરોનાએ વધારી દીધી છે, કેમ કે ત્યાં ૩૨ હજાર કેસ નોંધાયા છે.
ટ્રમ્પે અમેરિકાને ફરીથી ધમધમતું કરવાનો પ્લાન આજે રજૂ કર્યો હતો. એમાં ટ્રમ્પે કહ્યું હતુ કે દરેક રાજ્યના ગવર્નરો પોતાને ત્યાંની સ્થિતિ જોઈને નિર્ણય લઈ શકે છે. ટ્રમ્પે અત્યાર સુધી રાજ્યોના ગવર્નરોને અવગણ્યા છે. ન્યુયોર્ક રાજ્યમાં લૉકડાઉનની સલાહ ગવર્નરે આપી હતી એ પણ ટ્રમ્પે અવગણી હતી. એટલું જ નહીં ન્યુયોર્ક રાજ્યના ગવર્નર વિશે ટ્રમ્પે કહ્યું હતું કે એમણે હું કહું એમ જ કરવું પડશે. એટલે કે અમેરિકામાં માત્ર પોતાનું જ ચાલશે અને પોતાને જ ખબર પડે છે એવો ઉત્સાહ ટ્રમ્પે ગઈ કાલ સુધી દાખવ્યો હતો.
ટ્રમ્પે લોકોને એવી પણ સલાહ આપી હતી કે જ્યાં સ્થિતિ સુધરી હોય ત્યાં લોકો કામ પર આવી-જઈ શકે છે. સાથે સાથે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી, જેમાં કોરોનાથી સાવધાન રહેવા વિવિધ ઉપાયો રજૂ કરવામાં આવ્યા છે. રશિયાની સ્થિતિ અંગે પુતિને કહ્યું હતુ કે દેશની સ્થિતિ અત્યારે તો ગંભીર છે, પરંતુ અમે લડી લેવા કટીબદ્ધ છીએ. રશિયામાં કેસ ૩૨ હજાર ઉપર પહોંચી છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૪ હજાર નવા દરદી નોંધાયા છે. રશિયામાં સદ્ભાગ્યે મૃત્યુસંખ્યા હજુ પોણા ત્રણસો જેટલી જ છે.
આ તરફ દક્ષિણ કોરિયામાં ૧૬૩ કેસ એવા નોંધાયા છે, જે કોરોનાના દરદી હતા, સાજા થયા હતા અને હવે ફરીથી તેેમને ચેપ લાગ્યો છે. અલબત્ત, દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે ફરીથી ચેપગ્રસ્ત જણાયેલા દરદીઓ દ્વારા વાઈરસ ફેલાવાની શક્યતા નહિવત છે. જે દરદીઓને ફરી ચેપ જણાયો એ દરદી સરારેશ ૧૩.૫ દિવસે ચેપમુક્ત થયા હતા. એ પછી થોડો સમય જવા દઈ તેમનો ટેસ્ટ કરતાં ચેપ જણાયો હતો.
યુરોપ : યુકેમાં પણ 1 લાખથી વધારે કેસ
યુરોપમાં સ્પેન, ઈટાલી, ફ્રાન્સ અને જર્મનીમાં કેસની સંખ્યા પહેલેથી જ એક લાખ ઉપર છે. હવે એક લાખ ઉપર કેસ ધરાવતા દેશોમાં યુ.કે.નો પણ સમાવેશ થયો છે. ત્યાં ૧.૦૮ લાખ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુ સંખ્યા ૧૪ હજારથી વધારે થઈ છે. સ્થિતિ જોઈને લંડનના મેયરે જાહેરમાં માસ્ક પહેરવા ફરજિયાત કરી દીધા છે. જોકે મેયરે આ મહત્ત્વની સૂચના આટલી મોડી કેમ આપી તેની પણ ટીકા થઈ રહી છે. યુ.કે.માં મૃત્યુ પણ વધીને ૪૦ હજાર સુધી પહોંચી શકે છે એવી નિષ્ણાતોએ ચેતવણી આપી છે.
યુરોપમાં સૌથી વધુ (૧.૮૪ લાખ) કેસ સ્પેનમાં નોંધાયા છે. સૌથી વધુ ૨૨ હજાર મોત ઈટાલીમાં થયા છે. સમગ્ર યુરોપના કુલ મૃત્યુ ૯૪ હજાર અને રિકવર થયેલા કેસની સંખ્યા ૨.૮૩ લાખ છે.
ચીને જાહેર કર્યાં કરતા વુહાનમાં 50 ટકા વધુ મોત થયા છે
ચીન કોરોનાવાઈરસ અંગે સાચી માહિતી હજુ સુધી આપતું નથી. લેટેસ્ટ વિગતો પ્રમાણે ચીને વુહાનનો જે મૃત્યુઆંક જાહેર કર્યો હતો એ ખોટો છે. ચીને વુહાનમાં ૨૫૭૯ રજૂ કર્યો હતો. હવે નવો આંકડો આવ્યો છે, જેમાં ૧૨૯૦ એટલે કે ૫૦ ટકા જેટલા કેસ વધી ગયા છેે. ૧.૧૦ કરોડની વસ્તી ધરાવતા વુહાન શહેરનો કુલ મૃત્યુઆંક એ સાથે ૩૮૬૯ થયો છે. આ સુધારેલો આંકડો વુહાન શહેરના સત્તાધિશોએ રજૂ કર્યો હતો. જ્યારે જૂનો આંકડો ચીની સરકારે આપ્યો હતો. આ આંકડાને કારણે ચીનની બનાવટ ખુલ્લી પડી ગઈ છે.
સમગ્ર ચીનનો કુલ મૃત્યુઆંક ૪૬૩૨ નોંધાયો છે. એ આંક પણ સાચો હશે કેમ એ શંકા ઉભી થઈ છે.
ચીને માહિતી છૂપાવી હોવાની અને હજુ પણ છૂપાવતું હોવાની આખા જગતમાં છાપ પડી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ તો ચીનના જૂઠ્ઠાણા મુદ્દે તપાસ પણ કરાવવા માંગે છે. માટે કોરોના ખતમ થયા પછી પણ ચીન સાથેનો વિશ્વનો સંઘર્ષ ખતમ થવાનો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.