અમેરિકામાં 155 ભારતીય કંપનીઓએ 22 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. આ સિવાય ભારતીય કંપનીઓએ અમેરિકાના જુદા જુદા ભાગોમાં લગભગ 1.25 લાખ લોકોને રોજગાર પૂરો પાડ્યો છે. સીઆઈઆઈનાં એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
સીઆઈઆઈનાં રિપોર્ટ ઇન્ડિયન રૂટ્સ,અમેરિકન સોઇલ -2020 નામનું શિર્ષક ધરાવતા સર્વેમાં સામેલ કરાયેલ 155 કંપનીઓ દ્વારા રાજ્ય મુજબનું રોકાણ અને રોજગારની માહિતી આપવામાં આવી છે. અમેરિકાનાં તમામ રાજ્યો ઉપરાંત, વોશિંગ્ટન ડીસી અને પ્યુઅર્ટો રિકોમાં ભારતીય કંપનીઓ કાર્યરત છે.
ભારતીય કંપનીઓને સૌથી વધુ રોજગાર આપનારા પાંચ રાજ્યોમાં ટેક્સાસ (17,578 નોકરી), કેલિફોર્નિયા (8,271), ન્યુ જર્સી (8,057), ન્યુ યોર્ક (6,175) અને ફ્લોરિડા (5,454)નો સમાવેશ થાય છે.
તે ઉપરાંત જે પાંચ રાજ્યોમાં ભારતીય કંપનીઓએ સૌથી વધુ રોકાણ કર્યું છે, તેમાં ટેક્સાસ (9.5 અબજ ડોલર), ન્યૂ જર્સી (2.4 અબજ ડોલર), ન્યુ યોર્ક (1.8 અબજ ડોલર), ફ્લોરિડા (91.5 કરોડ ડોલર) અને મેસેચ્યુસેટ્સ (87.3 કરોડ ડોલર)નો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર ન્યૂ જર્સી, ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યુ યોર્ક, ઇલિનોઇસ અને જ્યોર્જિયા રાજ્યોમાં સૌથી વધુ ભારતીય કંપનીઓ છે. સર્વેમાં સામેલ કંપનીઓએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (સીએસઆર) પર 17.5 કરોડ ડોલર અને આર એન્ડ ડી પર 90 કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે.
સર્વેમાં 77 ટકા કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ અમેરિકામાં વધુ રોકાણ કરવાની યોજના ધરાવે છે. 83 ટકા કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં સ્થાનિક પર વધું નિમણૂકો કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો.
સીઆઈઆઈના સર્વેમાં સામેલ કંપનીઓ ફાર્માસ્યુટિકલ અને બાયોલોજી, ટેલિકમ્યુનિકેશન્સ, એરોનોટિકલ અને ડિફેન્સ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, મેન્યુફેક્ચરિંગ, ટૂરિઝમ અને હોટલ, ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ, વાહનો, ફૂડ એન્ડ એગ્રિકલ્ચર, એનર્જી, માઇનિંગ અને મટિરીયલ ક્ષેત્રે કાર્યરત છે.
અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સંધુએ કહ્યું કે સીઆઈઆઈનાં રિપોર્ટની છઠ્ઠી આવૃત્તિ દર્શાવે છે કે અમેરિકામાં ભારતીય કંપનીઓએ સંશોધન અને વિકાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.