બ્રાઝિલમાં મરણાંક એક લાખે પહોંચવા છતાં રિઓપનિંગ ચાલુ જ છે
– અમેરિકામાં ટ્રમ્પે બેરોજગારી સહાય ઘટાડીને દર અઠવાડિયે 300 ડોલર કરી નાંખી
અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યા પાંચ મિલિયનનો આંકડો વટાવી ગઇ છે જ્યારે ન્યુ ઝીલેન્ડમાં કોરોનામુક્ત 100 દિવસ પુરાં થયા છે. બીજી તરફ બ્રાઝિલમાં કોરોનાનો મરણાંક એક લાખનો આંક વટાવી ગયો છે. જ્યારે અમેરિકામાં મરણાંક 1,60,000 થઇ ગયો છે.
દરમ્યાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોકરી ગુમાવનારા અમેરિકનોને દર સપ્તાહે 400 ડોલરનું બેરોજગારી ભથ્થું આપતા આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ આ ભથ્થું દર અઠવાડિયે 600 ડોલર હતું. હવે તેમાં 200 ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકાના ચેપી રોગના નિષ્ણાત ડો.એન્થોની ફાઉસીએ જણાવ્યું હતું કે વર્ષના અંતે કોરોનાની એક રસી તો તૈયાર થઇ જશે.
પરંતુ પ્રમુખ ટ્રમ્પે વધારે આશાવાદી ચિત્ર રજૂ કરતાં જણાવ્યું હતું કે પ્રમુખની ચૂંટણી 3 નવેમ્બરે યોજાય તે પહેલાં અમેરિકા પાસે કોરોનાની ત્રણ રસીઓ આવી ગઇ હશે. દરમ્યાન ન્યુ ઝીલેન્ડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયા વિનાના 100 દિવસ રવિવારે પુરાં થયા હતા. દરમ્યાન ચીનમાં કોરોનાના નવા 23 કેસો નોંધાયા હતા. ચીનમાં હજી 817 કેસ છે જેમાંથી 43 દર્દીઓની હાલત ગંભીર છે.
હાલ ચીનમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 84,619 છે. બીજી તરફ બ્રાઝિલમાં કોરોનાના કારણે મરનારાની સંખ્યા એક લાખનો આંક વટાવી ગઇ છે. પાંચ મહિના પછી પણ બ્રાઝિલમાં કોરોના મહામારી હળવી થવાના કોઇ સંકેતો મળતાં નથી. મે મહિનાથી બ્રાઝિલમાં રોજ સરેરાશ 1000 દર્દીઓના મોત નોંધાય છે.
છેલ્લા 24 કલાકમાં પણ 905 જણાના મોત થયા હતા. હાલ બ્રાઝિલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 30,12,412 છે. કોરોના મહામારીમાં જીવ ગુમાવનારા બ્રાઝિલયનોની યાદમાં શનિવારે સવારે રિઓ જ પાઝ નામની એક એનજીઓ દ્વારા વિખ્યાત કોપાકબાના બીચ પર રેતીમાં એક લાખ ક્રોસ રોપવામાં આવ્યા હતા અને આકાશમાં એક હજાર લાલ ફુગ્ગા છોડવામાં આવ્યા હતા.
આમ છતાં બ્રાઝિલના 27 રાજ્યોમાંથી મોટાભાગના રાજ્યોએ દુકાનો અને રેસ્ટોરાં ફરી ખોલવાનું શરૂ કર્યું છે. રાજધાની બ્રાઝિલિયામાં આઇસીયુ બેડ 80 ટકા ભરાયેલાં છે જ્યારે રીઓમાં ખાનગી હોસ્પિટલોમાં 30 ટકાથી પણ ઓછો ઓક્યુપેશન રેટ જણાયો છે. રિઓમાં પણ શોપિંગ મોલ, રેસ્ટોરાં અને બીચ ખુલ્લા મુકાયા છે.
કોરોના મહામારી વધી રહી છે ત્યારે બીજી તરફ વિવિધ દેશોમાં તેની દવા માટે પણ સંશોધન ચાલી રહ્યા છે અને કેટલાક દેશો દાવા કરી રહ્યા છે કે તેઓ કોરોના વાઇરસની વેક્સીનની શોધની નજીક છે. આ સિૃથતિ વચ્ચે ડબલ્યુએચઓએ કહ્યું છે કે આવી વેક્સીન કોઇ જાદુની ગોળી નહીં હોય કે તેને લઇ લીધા પછી કોરોનાના દર્દી તુરંત જ સાજા થઇ જશે.
ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ એડહોમે કહ્યું હતું કે આપણે હજુ બહુ જ લાંબો રસ્તો પાર કરવાનો છે અને દરેકે સાથે મળીને આ માટેના પ્રયાસો કરવા પડશે. અમેરિકાના ચેપી રોગોના નિષ્ણાંત ડો. એંથોની સ્ટીફને પણ કહ્યું હતું કે વેક્સીન બનાવવાના દરેક પ્રયાસો બહુ જ ઉતાવળીયા હોય છે જે શરૂઆતમાં તો સારા લાગે છે પણ અને પરિણામો પણ સારા મળે છે પણ તેનાથી કોરોના હંમેશ માટે જતો રહેશે તેની કોઇ જ ખાતરી નથી હોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.