અમેરિકામાં કોરોનાનું તાંડવ, એક જ દિવસમાં નોંધાયા રેકોર્ડ સમાન 52 હજાર નવા કેસ

અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26 લાખ 84 હજારને પાર, અત્યાર સુધીમાં 1.28 લાખથી પણ વધારે લોકોના મોત

 

કોરોના મહામારીના કેસ હાલ સમગ્ર વિશ્વમાં જોઈએ તો અમેરિકામાં સૌથી વધારે ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કારણે સૌથી વધારે મોત અત્યાર સુધીમાં અમેરિકામાં જ થયા છે અને હજુ પણ આ મહામારી વધુને વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે.

સંયુક્ત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,000 નવા કેસ સામે આવ્યા છે જે એક દિવસમાં નોંધાયેલો સંક્રમિત દર્દીઓનો સૌથી ઉંચો આંકડો છે. અમેરિકામાં સોમવારે કોરોનાના કારણે 337 લોકોના મોત થયા હતા. જો કે અમેરિકા કરતા વધુ મૃતકઆંક દરરોજ બ્રાઝિલમાં નોંધાઈ રહ્યો છે.

અત્યાર સુધીમાં 1.28 લાખ લોકોના મોત

વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે મંગળવાર સવાર સુધીમાં અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 26 લાખ 81 હજારને પાર કરી ગયેલી. અત્યાર સુધીમાં કુલ 1,28,774થી પણ વધારે લોકોના મોત થયા છે પરંતુ સામે 11,06,000 લોકો સ્વસ્થ પણ થયા છે જે કુલ સંક્રમિતોના 41 ટકા જેટલા છે.

હાલ 14,46,000 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જે કુલ સંક્રમિતોના 54 ટકા બરાબર છે. અમેરિકામાં કુલ પાંચ ટકા જેટલા કોરોના સંક્રમિતો મૃત્યુ પામ્યા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ પ્રમાણે અમેરિકામાં અત્યાર સુધીમાં 3,28,27,359 લોકો (3.28 કરોડ) લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 4,17,328 કેસ સામે આવ્યા છે અને માત્ર ન્યૂયોર્કમાં જ 31,496 લોકોના મોત થયા છે. ત્યાર બાદ કેલિફોર્નિયામાં કોરોનાના 2,22,985 દર્દીઓમાંથી 5,976 લોકોના મોત થયા છે. તે સિવાય ન્યૂ જર્સી, ટેક્સાસ, મૈસાચુસેટ્સ, ઈલિનોયસ, ફ્લોરિડા પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે.

દેશમાં સંક્રામક રોગોના સૌથી મોટા નિષ્ણાંત ડો. એન્થની ફાસીના કહેવા પ્રમાણે આ મહામારી પર કોઈ નિયંત્રણ નથી જણાઈ રહ્યું. સંક્રમણમાં થઈ રહેલો વધારો સમગ્ર દેશને જોખમમાં મુકી શકે છે. સાથે જ તેમણે આગામી દિવસોમાં દરરોજ એક લાખ લોકો સંક્રમિત થશે તેવી ચેતવણી પણ આપી હતી.

જો કે એક વિશ્લેષણ પ્રમાણે અમેરિકામાં ગત સપ્તાહની સરખામણીએ દરરોજ થતા મૃત્યુની સંખ્યા સતત ઘટી રહી છે અને એપ્રિલની મધ્યમાં લગભગ 2,200ની સરેરાશ સાથે સરેરાશ 550થી નીચે આવી ગઈ છે.

વિશ્વમાં કોરોનાના એક કરોડથી વધુ કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા એક કરોડના આંકડાને પાર કરી ગઈ છે જ્યારે તેના કારણે થયેલા મૃત્યુનો આંકડો પાંચ લાખ થયો છે. કોરોનાના 26.81 લાખ કેસ અને 1.28 લાખથી વધારે લોકોના મોત સાથે અમેરિકા પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ટોપ પર છે. જ્યારે 13,70,488 કેસ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે અને બ્રાઝિલમાં કોરોનાએ 58,385 લોકોનો ભોગ લીધો છે.

આ યાદીમાં ત્રીજા ક્રમે રશિયા (6,41,156), ત્યાર બાદ ભારત (5,67,536), બ્રિટન (3,11,965), સ્પેન (2,96,050), પેરૂ (2,82,365), ચિલી (2,75,999), ઈટાલી (2,40,436), ઈરાન (2,25,205), મેક્સિકો (2,16,852), પાકિસ્તાન (2,06,512), તુર્કી (1,98,613), જર્મની (1,95,392), સાઉદી અરેબિયા (1,86,436), ફ્રાંસ (1,64,260), દક્ષિણ આફ્રિકા (1,44,264), બાંગ્લાદેશ (1,41,801), કેનેડા (1,03,918)નો સમાવેશ થાય છે.

આ સાથે જ 10,000થી વધારે મૃતકઆંક ધરાવતા દેશ બ્રિટન (43,575), ઈટાલી (34,744), ફ્રાંસ (29,813), સ્પેન (28,346), મેક્સિકો (26,648), ભારત (16,904) અને ઈરાન (10,670) છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.