ચીનના વુહાન શહેરથી વિશ્વભરમાં ફેલાઇ રહેલા રહસ્યમય કોરોના વાઇરસે હવે અમેરિકામાં પણ પગપેસારો કર્યો છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ મંગળવારે અમેરિકામાં વુહાન વાઇરસનો પહેલો દર્દી નોંધાયો હોવાની જાહેરાત કરી હતી. સીડીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકા વુહાનથી આવી રહેલા પ્રવાસીઓની આકરી ચકાસણી કરશે. સીડીસીએ દર્દીનું નામ જાહેર કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, તેને વોશિંગ્ટનના એવરેટ ખાતે પ્રોવિડન્સ રિજિયોનલ મેડિકલ સેન્ટર ખાતે આઇસોલેશનમાં સારવાર અપાઇ રહી છે. ૩૦ વર્ષીય આ દર્દી સિએટલથી ઉત્તરે આવેલી વોશિંગ્ટનની સ્નોહોમિશ કાઉન્ટીનો રહેવાસી છે. ૧૫મી જાન્યુઆરીના રોજ તે વુહાનથી સિએટલના તાકોમા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો. ૧૯મી જાન્યુઆરીના રોજ તે મેડિકલ સારવાર માટે પહોંચ્યો હતો.
સીડીસી અને વોશિંગ્ટનના સત્તાવાળા હવે આ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધી રહ્યા છે. વોશિંગ્ટન સ્ટેટના આરોગ્ય સેક્રેટરી જ્હોન વાઇઝમેને જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે જાહેર જનતાને જોખમ ઓછંુ છે. દર્દી અમેરિકા પાછો આવ્યો તેના ચાર દિવસ પછી તેણે સારવારની માગ કરી હતી. દર્દીનાં લક્ષણો અને તેની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે ડોક્ટરોને શંકા હતી કે તે વુહાન વાઇારસનો ભોગ બન્યો છે. તેના સ્પેસીમેન એટલાન્ટા ખાતેની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી અપાયાં હતાં. સોમવારે લેબોરેટરીએ વુહાન વાઇરસને સમર્થન આપ્યું હતું. હાલ તે દર્દીની સ્થિતિ સારી છે પરંતુ સત્તાવાળા તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
અમેરિકી સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, વુહાનથી અમેરિકા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ફ્લાઇટ દ્વારા આવતા તમામ પ્રવાસીઓને હેલ્થ સ્ક્રીનિંગ કરતા અમેરિકાના પાંચ પૈકીના એક જ એરપોર્ટ પર ઉતરાણની પરવાનગી અપાશે. હેલ્થ સ્ક્રીનિંગ દરમિયાન ટેમ્પરેચર ચેકઅપ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણોની ચકાસણી કરાશે. ચાલુ સપ્તાહમાં સીડીસીના સત્તાવાળાઓએ વુહાનથી આવતા પ્રવાસીઓ માટે ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કોના આંતરરાષ્ટ્રીય વિમાનીમથકો ખાતે હેલ્થ સ્ક્રીનિંગ શરૂ કરી દીધું છે. એટલાન્ટા અને શિકાગોનાં આંતરરાષ્ટ્રીય વિમાનીમથકો ખાતે પણ વુહાનથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.