અમેરિકાને લાગેલો કોરોનાનો ભરડો,બંધ કરી WHO માટેના ફંડિગની સહાય

દુનિયાભરમાં આ સમયે કોરોનાના કેસોની સંખ્યા લગભગ ૨૦ લાખ સુધી પહોંચવા આવી છે, જેમાંથી ૬ લાખથી વધારે કેસ એકલા અમેરિકામાં છે! કોરોનાનો સૌથી વધારે ભોગ અત્યારે આ દેશ બની રહ્યો છે. મોતનો આંકડો ૨૬,૦૦૦થી વધારે થઈ ગયો છે. એની સામે રિકવર થનારા લોકોની સંખ્યા ૩૬,૦૦૦ જેટલી છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર, એક દિવસમાં અહીં ૨૦૦૦ માણસો મર્યા હતા!

અમેરિકામાં ખરેખર હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશનાં ૫૦ રાજ્યોમાં ઇમરજન્સીનો માહોલ છે. હાલ અમેરિકાની ૯૫% જેટલી આબાદી પોતપોતાનાં ઘરોમાં કેદ થઈ ગઈ છે. શરૂઆતમાં આ બિમારીને અમેરિકાની સરકારે બહુ ગણકારી નહી એનું પરિણામ આજે નજર સામે છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આલોચના પણ થઈ રહી છે.

રોકી દીધું WHO માટેનું ફંડિગ:
ડોનાલ્ડ ટ્રમ્પે એક અઠવાડિયા પહેલા જે ધમકી આપી હતી તે હવે હક્કીકતમાં બદલાઈ ચૂકી છે. ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ને અપાતું ફંડિગ રોકી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે, કે વિશ્વ આરોગ્ય સંગઠને કોરોનાને લઈને શરૂઆતમાં માહિતી છૂપાવી. અગર તેઓ પહેલેથી જ સાચી માહિતી સામે મૂકી દેત તો મહામારી આ પ્રકારે ના ફેલાત. સંગઠન પોતાની ફરજ નીભાવવામાં ઊણું ઉતર્યું છે.

ઉલ્લેખનીય છે, કે વિશ્વ આરોગ્ય સંગઠનને સૌથી વધારે પૈસો અમેરિકા તરફથી જ મળતો. પાછલાં વર્ષની જ વાત કરો તો, ૪૦૦ મિલિયન ડોલર જેટલી તગડી રકમ અમેરિકાએ સંગઠનને આપી હતી. ટ્રમ્પનો આરોપ છે, કે આટલી મસમોટી ફંડીગ છતા સંગઠનનો ઝૂકાવ ચીન તરફ રહ્યો છે. તેમણે એક અઠવાડિયા અગાઉ કહ્યું હતું કે, સંગઠનને અપાતું ફંડ રોકવા બાબતે આગામી અઠવાડિયે નિર્ણય લેવામાં આવશે.

અમેરિકાએ ફંડિગ રોક્યું એથી યુનાઇડેટ નેશન્સ પણ નારાજ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસે કહ્યું કે, આવા સમયે રાજનીતિમાં પડવું એ મોતના આંકડાને વધારવા સિવાય બીજું કશું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.