અમેરિકામાં નવી સરકાર સાથે તાલમેલ બેસાડવા સક્રિય બની ગઈ મોદી સરકાર

અમેરિકામાં સત્તાપલટો થવાનુ નિશ્ચિત બની રહ્યુ છે ત્યારે નવી બનનારી સરકાર સાથે તાલમેલ બનાવવા માટે ભારતની મોદી સરકાર અત્યારથી જ સક્રિય થઈ ગઈ છે.

અત્યાર સુધી ટ્રમ્પ પ્રશાસનમાં અમેરિકા સાથે ભારતના સારા સબંધ હતા અને હવે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન અમેરિકાના નવા પ્રમુખ બનશે તે નિશ્ચિત છે ત્યારે અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીતસિંહ સંધુએ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો સાથે બેઠકો યોજવા માંડી છે.કેટલીક બેઠકો જાહેરમાં જ થઈ રહી છે તો કેટલીક બેઠકોની ચર્ચાઓને ગુપ્ત રાખવામાં આવી રહી છે.

એટલુ જ નહી ભારતની એમ્બેસીએ ઓબામા પ્રશાસનમાં મહત્વની ભૂમિકા ભજવનારા ભારતીય મૂળના બે મહત્વના વ્યક્તિઓનો પણ સંપર્ક કર્યો છે.જેમાં એક વિવેક એચ મૂર્તિ અને બીજા રાજીવ શાહનો સમાવેશ થાય છે.મૂર્તિએ બાઈડેનના ચૂંટણી પ્રચારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે અને તેમને બાઈડેનની સરકારમાં મહત્વની જવાબદારી મળે તેવી પણ શક્યતાઓ છે.મૂર્તિ ઓબામાના શાસનમાં સૌથી નાની વયના સર્જન જનરલ હતા.શાહનુ પણ ઓબામા પ્રશાસનમાં ખાસો પ્રભાવ હતો.

આ સંજોગોમાં ભારત સાથે તાલમેલ બેસાડવામાં આ બે વ્યક્તિઓ મોટી ભૂમિકા ભજવી શકે છે.શાહ અમેરિકાના કૃષિ વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક, ઈકોનોમિક વિભાગના તથા શિક્ષણ વિભાગના અન્ડર સેક્રેટરી પણ રહી ચુક્યા છે.

ભારતીય રાજૂદત અમેરિકન કોગ્રેસમાં બ્લેક કોક્સ તરીકે જાણીતા ગ્રૂપના પણ સંપર્કમાં છે.કમલા હેરિસ આફ્રિકન અને અમેરિકન સાંસદોના આ ગ્રૂપના સભ્ય છે.જોકે ભારતે ચૂંટણી પહેલા પણ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ સાથે બેઠકો યોજવાની રણનીતિ અપનાવી હતી.

જોકે આ પૈકી ભારતીય મૂળના પ્રેમિલા જયપાલ સાથે મોદી સરકારને ખાસ ફાવતુ નથી.કારણકે જયપાલ કલમ 370નો વરિોધ કરી ચુક્યા છે અને તેના વિરોધમાં તેમણે અમેરિકન સંસદમાં પ્રસ્તાવ પણ મુક્યો હતો.એ પછી ભારતના વિદેશ મંત્રીએ પ્રેમિલા જયપાલને મળવાનો ઈનકાર કરી દીધો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.