અમેરિકામાં રઝળી પડેલા વિદ્યાર્થીઓ -ભારતીયો માટે વધુ ફલાઇટોની માગણી

યુરોપમાં કોરોનાનો પ્રકોપ ઘટયો : ઇટાલીમાં કાફે-બાર ખુલ્યાં

– બીજા તબક્કામાં સાત ફલાઇટ અમેરિકાથી ભારત આવશેઃ અમેરિકા 161 ભારતીયોને ડિપોર્ટ કરશે

 

કોરોના મહામારીને પગલે લાદવામાં આવેલાં પ્રવાસન નિયંત્રણોને કારણે અઠવાડિયાઓથી અમેરિકામાં રઝળી પડેલાં વિદ્યાર્થીઓ, દર્દીઓ અને અન્ય ભારતીયોએ ભારત સરકારને તેમને પરત ભારત લાવવા માટે વધારે ફલાઇટ ઓપરેટ કરવાની માગણી કરી છે. જ્યાં સારી એવી સંખ્યામાં ભારતીયો વસે છે તે ડલાસ અને હ્યુસ્ટનમાંથી પણ ફલાઇટ ઓપરેટ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

હ્યુસ્ટન વિસ્તારમાં આઠ સ્ટેટની ટોચની યુનિવસટીઓના આશરે ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓની હાલત હાલ કફોડી થઇ છે. તેમની સેમેસ્ટર એક્ઝામ ગયા સપ્તાહે જ પુરી થઇ હોવાથી તેઓ પાછાં ફરી શક્યા નથી. વિદ્યાર્થીઓની જેમ જ જે લોકો સારવારાર્થે અમેરિકા આવ્યા હતા તેમની પણ હાલત નાણાંના અભાવે કફોડી થઇ છે.

ન્યુ યોર્કમા રહેતી અને ઇન્ડિયન ઓવરસીઝ કાર્ડ ધરાવતી આલિયાએ જણાવ્યું હતું કે મારા પિતા ૨૬ એપ્રિલે મુંબઇમાં ગુજરી ગયા છે. અને મારી માતા હાલ એકલી રહે છે જેને પણ સારવારની જરૂર છે. મહેરબાની કરી મને મુંબઇ પહોંચાડવાની વ્યવસ્થા કરી આપો. હાલ આલિયા ભારત દ્વારા શરૂ કરવામાં આવેલી ફલાઇટમાં તેને જવા માટે પરવાનગી મળે તેની રાહ જોઇ રહી છે.

હવે બીજા તબક્કામાં અમે ઉત્તરાખંડ, પંજાબ અને હિમચલપ્રદેશને આવરી લઇશું. અમે હવે ન્યુ યોર્કથી બેન્ગાલુરૂ અને સાન ફ્રાન્સિસ્કોથી કોચી જવા માટે અને િશિકાગોથી દિલ્હી, ભુવનેશ્વર, અમદાવાદ અને હૈદરાબાદ જવા માટે ફલાઇટ્સની વ્યવસ્થા કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે અમે બીજા તબક્કામાં કુલ સાત ફલાઇટની વ્યવસ્થા કરી છે. આ ફલાઇટો એક-એક સાન ફ્રાન્સિસ્કો અને વોશિંગટન ડીસીથી, બે ફલાઇટસ શિકાગો અને બીજી બે ફલાઇટ ન્યુ યોર્કથી રવાના કરવામાં આવશે. હાલ આ ફલાઇટસ માટે રઝળી પડેલાં પ્રવાસીઓને, દર્દીઓને અને વિદ્યાર્થીઓને અગ્રક્રમ આપી રહ્યા છીએ. હાલ આ ફલાઇટ ભારતીયો પૂરતી જ મર્યાદિત છે અને તેને માટે ભારત સરકારને વન વે ટિકિટના નાણાં ચૂકવવાના રહે છે.

બીજી તરફ ઇટાલી અને બ્રિટનના વડા પ્રધાનોએ કોરોના લોકડાઉનના નિયંત્રણો હળવા બનાવતાં તેમના નાગરિકોને ચોખ્ખું જણાવી દીધું છે કે હવે તમારે કોરોના સાથે જીવતાં શીખી લેવાનું છે. રસીની રાહ જોઇને બેસી રહેવાનું તેમને પાલવે તેમ નથી. ઇટાલીના વડા પ્રધાન ગુસ્સેપ કોન્ટેએ એક અઠવાડિયા પહેલાં જ બાર- રેસ્ટોરાં અને સમુદ્રતટો ખોલી નાંખવાનો નિર્ણય લઇ જણાવ્યું હતું કે આપણે એક જોખમનો સામનો કરી રહ્યા છીએ અને તે બાબત આપણે સ્વીકારવી રહી.નહીં તો આપણે ફરી કયારેય કામ શરૂ કરી શકીશું નહીં. જ્યાં સુધી રસી ન વિકસે ત્યાં સુધી રાહ જોવાનું ઇટાલીને પરવડે તેમ નથી. બીજી તરફ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જ્હોન્સને રસી કદાચ ન પણ વિકસી શકે તેવી નિખાલસ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે તેને માટે બધું મુલતવી રાખી શકાય નહીં.

બીજી તરફ ચીનમાં કોવિડ-૧૯ના ૨૫ નવા કેસો નોંધાયા છે. જેમાં ૧૪ કેસો વુહાન શહેરમાં નોંધાયા છે. જ્યાં હાલ શહેરના ૧૧ મિલિયન લોકોનો ટેસ્ટ કરવાની કવાયત ચાલી રહી છે.

વુહાનમાં નોંધાયેલાં કેસોમાં કોઇ બાહ્ય લક્ષણો ન હોવાથી સત્તાવાળા વિમાસણમાં પડયા છે. કેમ કે આ દર્દીઓ પણ કોરોના વાઇરસનો ચેપ તો પ્રસરાવી જ શકે છે. તેમને દર્દી તરીકે ઓળખવા કેવી રીતે એ મોટી સમસ્યા છે. વુહાનમાં આવા કેસોની સંખ્યા વધીને ૩૩૭ થઇ છે. ચીને બિજંગિમાં મનોરંજન સહિત તમામ વ્યવસાયોને ફરી શરૂ કરવાની પણ પરવાનગી આપી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.