અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યો છું : ટ્રમ્પ

– માઈક્રોસોફ્ટ ટિકટોક ખરીદશે એવી ચર્ચા વચ્ચે પ્રમુખનો ધડાકો

– ટિકટોકની માલિકી ધરાવતી બાઈટડાન્સ કંપનીને અમેરિકામાંથી માલિકીહક વેચી દેવાનો પણ આદેશ થાય તેવી અટકળો

 

માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકની માલિકી ખરીદશે એવી ચર્ચા વચ્ચે ટ્રમ્પે ધડાકો કરતાં કહ્યું હતું કે તેમની સરકાર ટિકટોક પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહી છે. ટૂંક સમયમાં ટિકટોક અંગે કોઈ મહત્વનો આદેશ કરવાનો સંકેત ટ્રમ્પે આપ્યો હતો. ટિકટોક સામે અમેરિકાના યુઝર્સનો ડેટા ચોરીને ચીન મોકલ્યો હોવાનો આરોપ લાગ્યો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. માઈક્રોસોફ્ટ ટિકટોકને ખરીદી લેશે એવી અટકળો વચ્ચે ટ્રમ્પે ધડાકો કર્યો હતો કે તેની સરકાર ટિકટોક પર કાયમ માટે પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહી છે. ટિકટોકને લઈને નિષ્ણાતો સાથે ચર્ચા થઈ રહી છે અને ટૂંક સમયમાં મહત્વના આદેશો જારી કરવાનો સંકેત ટ્રમ્પે આપ્યો હતો.

ટિકટોકની માલિકી ધરાવતી કંપની બાઈટડાન્સને અમેરિકામાં ટિકટોકના માલિકી હકો વેચી દેવાનો આદેશ ટ્રમ્પ કરશે એવી અટકળો પણ થઈ રહી છે. માઈક્રોસોફ્ટના સૂત્રોને ટાંકીને કહેવાયું હતું કે ટ્રમ્પના આદેશની રાહ જોવાઈ રહી છે. કંપની અમેરિકામાં ટિકટોકના હકો ખરીદવા તૈયાર છે.

એ દરમિયાન ટ્રમ્પે માઈક્રોસોફ્ટનું નામ લીધા વગર કહ્યું હતું : કોઈ અમેરિકન કંપની ટિકટોકના અમેરિકન ઓપરેશનના હકો ખરીદે તેની હું તરફેણ કરતો નથી. એ પહેલાં ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે ટિકટોક અંગે બધા જ વિકલ્પો અંગે વિચાર થઈ રહ્યો છે. એ નિવેદન પછી જ એવા અહેવાલો આવ્યા હતા કે માઈક્રોસોફ્ટ ટિકટિકના હકો ખરીદી લેશે.

વ્હાઈટ હાઉસના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે બાઈટડાન્સ, માઈક્રોસોફ્ટ અને વ્હાઈટ હાઉસ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આવતા સપ્તાહ સુધીમાં ડીલ થઈ જશે. પરંતુ ટ્રમ્પે અમેરિકન કંપની ચીની વીડિયો શેરિંગ પ્લેટફોર્મના હકો ખરીદે તેની તરફેણ ન કરીને કાયમી પ્રતિબંધની અટકળોને વધુ બળ આપ્યું છે.

ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેની સરકાર ટિકટોક સામે વધારે આકરાં પગલાં ભરશે. ટિકટોક સામે અમેરિકન યુઝર્સનો ડેટા ચોરીને ચીની સરકારને આપ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. તે પછી અમેરિકામાં ટિકટોકનો વિવાદ શરૂ થયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.