અમેરિકનો પાસે ખાવાનું ખરીદવાના પૈસા પણ ન રહેતા ફુડ બેંકની બહાર લાઈનો લાગી

 

– ફુડ પેકેટ્સની માંગમાં 40 ટકાનો વધારો, હજારો ગાડીઓની લાઈનો જોવા મળી

કોરોના વાયરસ મહામારીના કારણે અમેરિકાની ભોજન બેંક્સમાં લોકોનો ધસારો ખૂબ જ વધી ગયો છે. ગાડીઓની લાંબી લાંબી લાઈનો દાન માટે પોતાનો વારો આવે તેની રાહમાં ઉભેલી હોય તેવું દૃશ્ય હાલ અમેરિકામાં સામાન્ય બની રહ્યું છે. લોકડાઉન બાદ એક પછી એક વેપાર-ધંધાઓ રાતોરાત બંધ થઈ જવાના કારણે 2.2 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા છે અને ખાવા-પીવાની વસ્તુઓ માટે તેમણે દાતાઓ પર નિર્ભર બનવું પડ્યું છે. પેન્સિલવેનિયાના ગ્રેટર પીટ્સબર્ગ કોમ્યુનિટી ફુડ બેંકના વિતરણ કેન્દ્ર બહાર મંગળવારે 1,000 ગાડીઓની લાઈન જોવા મળી હતી.

ફુડ પેકેટ્સની માંગમાં 40 ટકાનો વધારો
માર્ચ મહીનામાં ગ્રેટર પીટ્સબર્ગ કોમ્યુનિટી ફુડ બેંકના ફુડ પેકેટ્સની માંગમાં આશરે 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. સંગઠનના ઉપાધ્યક્ષ બ્રાયન ગુલિશના કહેવા પ્રમાણે અનેક લોકો પહેલી વખત તેમની સેવાનો ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ પહેલા કદી ફુડ બેંક બહાર નહોતા જોવા મળ્યા. લોકોને તેમનું નેટવર્ક ખૂબ વિશાળ છે અને દક્ષિણ-પશ્ચિમ પેન્સિલવેનિયામાં 350 વિતરણ કેન્દ્રો છે તેની જાણ નથી માટે જ આટલી લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સમગ્ર અમેરિકામાં ભોજન મેળવવા લોકોનો ધસારો
ન્યૂ ઓર્લિયન્સથી લઈને ડેટ્રોઈટ સુધી સમગ્ર અમેરિકામાં લોકો ભોજન બેંકોની બહાર ભીડ કરી રહ્યા છે. ભોજન વિતરણ કેન્દ્ર બહાર લાઈનમાં ઉભેલી એક મહિલાના કહેવા પ્રમાણે તેઓ અનેક મહીનાથી કામ પર નથી ગયા. માત્ર 15 દિવસનું બાળક ઉંચકીને ઉભેલી એક મહિલાએ પોતાનો પતિ કામ નથી કરતો, ઘરે ખાવાનો કોઈ સામાન નથી અને બીજા પણ બે બાળકો છે માટે પોતે ફુડ બેંક સુધી પહોંચી હોવાનું જણાવ્યું હતું. મહામારીના કારણે મોટા ભાગની ફુડ બેંકના ભોજનની માંગમાં અત્યંત વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.