અમિતાભ-અભિષેક બાદ હવે ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ, જયા બચ્ચન સ્વસ્થ

અમિતાભ બચ્ચન જલ્દી સાજા થઈ જાય તે માટે કોલકાતામાં પૂજા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ

મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે અભિષેકની પત્ની અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને પણ કોરોના થયો છે. એક અહેવાલ પ્રમાણે ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બચ્ચન પરિવારના ચાહકો અને સંપૂર્ણ બચ્ચન પરિવાર માટે આ ચિંતાજનક સમાચાર છે.

મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ સમાચારની પૃષ્ટિ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. શ્રીમતી જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બચ્ચન પરિવાર જલ્દીથી સાજો થઈ જાય તેવી પ્રાર્થના.’

જાણવા મળ્યા મુજબ શનિવારે રાત્રે ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા અને જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ હવે તેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સદનસીબે જયા બચ્ચન હજુ પણ કોરોના નેગેટિવ આવ્યા છે.

રવિવારે સવારે મહાનાયક અમિતાભ બચ્ચનના બંગલાને બીએમસી દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યામાં કોરોનાના કોઈ લક્ષણો નહોતા નોંધાયા. જો કે ઐશ્વર્યા અને આરાધ્યાને હોમ ક્વોરેન્ટાઈ કરવામાં આવશે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તે અંગે કોઈ ખુલાસો નથી થયો.

પહેલા અમિતાભ બચ્ચનને કોરોના થયો

શનિવારે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે બંનેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે. તેઓ બંને કોરોનાના હળવા લક્ષણો ધરાવતા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા ત્યારથી જ તેમના માટે પ્રાર્થનાઓ થઈ રહી છે. અમિતાભ બચ્ચને શનિવારે રાત્રે ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને તેમણે ટ્વિટરના માધ્યમથી આ અંગે જાણ કરીને વધુ પેનિક ન થવા વિનંતી કરી હતી.

આ તરફ કોલકાતામાં અમિતાભ બચ્ચન જલ્દી સાજા થઈ જાય તે માટે પૂજા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કોલકાતાના શ્યામબજારમાં રહેતા લોકોએ શિવ મંદિરમાં અમિતાભ બચ્ચન માટે યજ્ઞ કર્યો હતો. ત્યાર બાદ ઓલ સેલિબ્રિટી ફ્રેન્ડ્સ ક્લબના સદસ્યોએ પણ બેહાલાના ચૌરાસ્તા વિસ્તારમાં પૂજા કરી હતી.

સામાન્ય તાવની ફરિયાદના કારણે અમિતાભ બચ્ચનને શનિવારે સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમના પરિવારના સદસ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.