ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણી દરમિયાન ગુજરાત ભાજપના 6 સીટો પર કબ્જો મેળવવાના દાવા પર પાણી ફરી વળ્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નારાજ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગુજરાતની બે દિવસની મુલાકાતના શરૂઆતના તબક્કામાં જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે શાહે બેઠક યોજી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા હોવાની માહિતી મળી છે.
આમ તો ભાજપ જ્યારે પણ કોઈ દાવો કરે ત્યારે તેમાં દમ હોય છે પરંતુ ગુજરાતમાં યોજાયેલી 6 વિધાનસભાની પેટા ચુંટણીના પરિણામોએ ગુજરાત ભાજપના સંગઠન તથા તેના નેતૃત્વ સામે સવાલો ઊભા કરી દીધા છે. 3 બેઠકો અને તેમાં પણ ભાજપનો દબદબો હોય તેવી થરાદ બેઠક ભાજપે ગુમાવવાને કારણે ભાજપ સંગઠને કરેલા દાવા પર લોકો હાંસી ઊડાવી રહ્યાં છે. જો કે સંગઠનના માહેર અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ પરિણામથી ખાસ્સા એવા નારાજ થયા હોવાની માહિતી મળી છે.
પેટા ચુંટણીના પરિણામો અંગે ચર્ચા કરવા માટે શાહે દિલ્હીથી સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આવી અને મુખ્યમંત્રી રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં પેટા ચુંટણીના પરિણામો અંગે શાહે નારાજગી વ્યક્ત કરી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા હોવાની જાણકારી મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.