અમરેલી: ચાંદીપુરા વાયરસથી જિલ્લાને સુરક્ષિત રાખવા આરોગ્ય વિભાગ પ્રતિબધ્ધ…

ચાંદીપુરા વાયરસથી જિલ્લાને સુરક્ષિત રાખવા આરોગ્ય વિભાગ પ્રતિબધ્ધ

જિલ્લાના ૨૬૯ ગામો અને ૪,૮૫૧ ઘરોમાં મેલેથીયોન
ડસ્ટિંગ પાઉડરનો છંટકાવ કરવાની કામગીરી પૂર્ણ

જિલ્લાના અન્ય ગામડામાં પાઉડરનો છંટકાવ કરવાની કામગીરી થઈ રહી છે,
ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવો

બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં)
રમવા દેવા નહીં, જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો

અમરેલી તા. ૨૩ જુલાઈ, ૨૦૨૪ (શુક્રવાર) રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસો સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે તેમજ મેલેથીયોન ડસ્ટિંગ પાઉડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકા સ્થળે આવી કામગીરીમાં સતર્કતા દાખવવા અને આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જ તે અંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. જિલ્લાના ૨૬૯ ગામો અને ૪,૮૫૧ ઘરોમાં મેલેથીયોન ડસ્ટિંગ પાઉડર છંટકાવ કામગીરી પૂર્ણ થઈ છે તેમજ બાકીનાં ગામોમાં કામગીરી શરુ છે. આ સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરુપે અમરેલી જિલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃત્તિની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વિવિધ ગામો, શાળાઓમાં જનજાગૃત્તિ કાર્યક્રમો યોજી લોકોને તકેદારી રાખવા અને સાવચેત રહેવા સમજણ આપવામાં આવી રહી છે.
ચાંદીપુરા વાયરસનાં સંક્રમણથી દર્દીને મગજ (એનકેફેલાઇટીસ)ની સમસ્યા સર્જાઇ છે. આ વાયરસના ફેલાવા માટે સેન્ડ ફલાય (રેતની માખી) જવાબદાર છે અને આ વાયરસ ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે લક્ષણો જોવા મળે છે. ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહીં. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો, સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા, મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
જો ઉપર મુજબનાં લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, તેમ અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર સંજય વાળા અસ્મિતા ન્યુઝ ધારી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.