અમદાવાદમાં કોરોનાનો ડર એ હદે પ્રસરી ગયો છે કે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળતા થઈ ગયાં છે. મેઈન રોડ પર ટ્રાફિક ઘટી ગયો છે. એટલું જ નહીં એએમટીએસની બસોમાં રોજના 55000 અને બીઆરટીએસની બસોમાં 25000 પેસેન્જરોનો છેલ્લાં ચાર દિવસ નોંધાય છે. એટલું જ મ્યુનિ.ની કચેરીમાં કામ લઈને આવતા નાગરિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
એએમટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘટેલા પેસેન્જર અંગે અમે અભ્યાસ શરૂ કર્યો છે અને આવતીકાલ બુધવારે તેની સમીક્ષા કરીને ખાલી ફરતી બસો બંધ કરવી કે નહીં તે અંગે નિર્ણય કરીશું. અત્રે ઉલ્લેખનીય છે ેક હાલ એએમટીએસ અને બીઆરટીએસની બસોની રોજ ચોક્સાઈપૂર્વક સફાઈ કરવામાં આવે છે.
સફાઈ કામદાર હાથે મોજા અને માસ્ક પહેરી રાખે છે. બસમાં જંતુનાશક સ્પ્રે કરવામાં આવે છે. દરમ્યાનમાં આજે મ્યુનિ. કચેરીએ ખાડિયાના રહીશોએ આવીને મેયર બિજલ પટેલ સમક્ષ માણેકચોકની અને રાયપુરની રાત્રી ખાણીપીણી બજાર બંધ કરાવવા માંગણી કરી હતી.
જ્યારે બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન સમક્ષ કાંકરિયામાં સવારના મોર્નિંગવોક કરતાં લોકોએ મળીને સવારે 5 થી 8 ચાલવા માટે વોક-વે ખુલ્લો રાખવા રજૂઆત કરી હતી. યોગ્ય પરામર્શ કરીને નિર્ણય લઈશું તેવા જવાબો તેમને અપાયા હતા. ઉપરાંત મલ્ટીપ્લેક્સ, જીમ, સ્વીમીંગપુલ, શાળા-કોલેજ, ટયુશન કલાસીસ વગેરે બંધ હોવાના કારણે જનરલ ટ્રાફિક અને એએમટીએસ-બીઆરટીએસની બસોમાં પેસેન્જરો ઘટયા છે.
ગુજરાત યુનિ. તરફની વિદ્યાર્થીઓની ભરી રહેતી બસો ખાલી જાય છે. બપોરના સમયે વાહન-વ્યવહાર ધમધમતા રહેતા રોડ પર પાંખી ટ્રાફિક જોવા મળે છે. લાલદરવાજા, યુનિવર્સિટી, વાડજ વગેરે મુખ્ય બસ સ્ટેન્ડો હંમેશાં બસના પેસેન્જરોથી ધમધમતા હોય છે, ત્યાં સંખ્યા પ્રમાણમાં ઓછી દેખાવા માંડી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.