વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી સૌ કોઇ વાલીઓ માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લક્ષ્મીપુરામાં એક 18 વર્ષીય વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે અને 18 વર્ષની કરુણા મહંતો નામની દીકરીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે અને જણાવી દઇએ કે, વિદ્યાર્થીનીને મનગમતી એજ્યુકેશન ફીલ્ડમાં એડમિશન ન મળતાં આપઘાત કર્યાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.
ધોરણ 12 બાદ વિદ્યાર્થીનીને BBAમાં એડમિશન લેવું હતું. પરંતુ એડમિશન ન મળતા નિરાશ થયેલ કરૂણાએ આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ ઘટનાની જાણ થતા જ તુરંત લક્ષ્મીપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેમજ લક્ષ્મીપુરા પોલીસ દ્વારા આ મામલે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો, ધોરણ 12માં સારા ટકા નહીં આવવાના કારણે વિદ્યાર્થીનીને મનગમતી એજ્યુકેશન ફીલ્ડમાં એડમિશન ન મળવાના કારણે વ્યથિત રહેતી વિદ્યાર્થિનીએ સ્વતંત્રતા પર્વની સંધ્યાએ ગળાફાંસો ખાઈને પોતાની જીવાદોરી ટૂંકાવી હતી અને લક્ષ્મીપુરા રોડ પર આવેલ શિવાલય ડુપ્લેક્સ ખાતે રહેતા સત્યનારાયણ મહંતો નંદેસરી ખાતે સ્પેરપાર્ટનો બિઝનેસ કરે છે. તેમનાં 3 સંતાનો પૈકી 18 વર્ષીય કરુણા મહંતો નામની દીકરી ધોરણ 12માં ઓછા ટકા આવવાના કારણે સતત વ્યથિત રહેતી હતી.
કરુણાને જ્યાં એડમિશન જોઈતું હતું તેમાં એડમિશન ન મળતાં આખરે તેને કોમર્સમાં એડમિશન લેવું પડ્યું હતું. જેના લીધે છેલ્લા ઘણા દિવસોથી કરૂણા સતત ચિંતામાં રહેતી હોવાનું તેઓના પિતાએ પોલીસને જણાવ્યું હતું. દરમિયાન 15મી ઓગસ્ટના રોજ સાંજે પરિવાર મંદિરે દર્શન કરવા જવાનો હોવાથી કરુણાને બોલાવવા જતાં તે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી. આથી પરિવારે તેને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી અને જયાં તેનું મૃત્યુ થતાં લક્ષ્મીપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં લક્ષ્મીપુરા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.