અમદાવાદ આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે કુરિયરની ફાસ્ટ ડિલિવરી માટે રૂ. પાંચનું પેમેન્ટ કર્યું અને વૃદ્ધના 17.84 લાખ ઊપડી ગયા..

આજકાલ છેતરપિંડી કરનારા લોકો ગ્રાહકોને ખોટા કસ્ટમર કેર નંબર અને હેલ્પલાઇન નંબરના આધારે વધારે છેતરવાની કોશિશ કરતા હોય છે અને આજના સમયમાં ઘણા લોકો ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ અને નેટ બેન્કિંગમાં કંઇ પણ સમસ્યા ઊભી થાય કે તરત ઇન્ટરનેટના આધારે કસ્ટમર કેર નંબર અથવા તો હેલ્પલાઇન નંબર સર્ચ કરીને તેના પર કોલ કરતા હોય છે, પરંતુ ઘણી વખત લોકોને એ નથી ખબર હોતી કે આખરે શું આ નંબર સાચો છે કે પછી ખોટો, કારણ કે છેતરપિંડી કરનારા લોકો ખોટા નંબરો ઓનલાઇન અપલોડ કરતા હોય છે, જેને લોકો સાચો નંબર માની લે છે અને જેથી આ નંબર પર કોલ કરવા પર તે લોકો તમારી બેન્કિંગ ડિટેલ્સ (માહિતી) એકત્ર કરીને તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે.

મોટા ભાગના લોકો પત્ર, દસ્તાવેજો અને વસ્તુ મોકલવા માટે હવે કુરિયર કંપની પર આધાર રાખતા થઈ ગયા છે. કુરિયર કંપનીઓ હવે ઘરેથી પાર્સલ લઈ જઈને પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ કરવા લાગી છે. આથી અનેક જણ આવી કંપનીઓ શોધવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. સાયબર ચોરોએ અનેક કુરિયર કંપનીઓની આબેહૂબ વેબસાઈટ તૈયાર કરી છે અને તેના આધારે મોટા પ્રમાણમાં નાગરિકોને છેતરવામાં આવી રહ્યા છે અને પાલડીમાં રહેતા વૃદ્ધે કુરિયરની ફાસ્ટ ડિલિવરી માટે પાંચ રૂપિયા ગઠિયાએ આપેલી લિંક ટ્રાન્સફર કરતાં જ ખાતામાંથી ૧૭.૮૪ લાખ ઉપડી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પાલડીના સિદ્ધચક્ર એપાર્ટમેન્ટમાં રહેતા ૬૯ વર્ષીય મયૂર દવેએ ઠગાઈની ફરિયાદ કરી છે. મયૂર ઘરેથી વીમા એજન્ટ તરીકે કામ કરે છે. મયૂરભાઈને સાબરકાંઠા ખાતે શ્રીમદ જેસિંગબાપા હોસ્પિટલમાંથી મોતિયાના ઓપરેશન માટે લેન્સનો ઓર્ડર મળ્યો હતો, જેથી તારીખ રપ-૦૩-ર૦ર૩ના રોજ મુંબઈ ખાતે રહેતા રાજેશ દવે, જે હોલસેલના ડિ‌િસ્ટ્રબ્યૂટર છે. મયૂરભાઈએ લેન્સનો ઓર્ડર રાજેશભાઈને આપ્યો હતો. રાજેશભાઈએ મયૂરભાઈને કહ્યું હતું કે લેન્સનો ઓર્ડર ચેન્નઇ આપ્યો હતો. ત્યાંથી ઇડર ખાતે આંખોના મોતિયાના લેન્સ ટ્રેકકોન કુરિયર દ્વારા મોકલી આપીશું અને રાજેશભાઈએ કુરિયરની માહિતી પણ મયૂરભાઈને આપી દીધી હતી, પરંતુ બે દિવસ થઇ ગયા હોવા છતાં કુરિયર મળ્યું ન હતું.

આથી તારીખ ર૭-૦૩-ર૦ર૩ના રોજ ગૂગલ પરથી કુરિયર સર્વિસનો નંબર સર્ચ કરતા હતા તે દરમિયાન એક નંબર મળ્યો હતો. મયૂરભાઈએ આ નંબર પર ફોન કર્યો હતો. ફોન ઉપાડનાર ગઠિયાએ પોતાનું નામ રાહુલ હોવાનું જણાવ્યું હતું. મયૂરભાઈએ રાહુલ સાથે કુરિયર વિશે વાતચીત કરી હતી અને રાહુલે મયૂરભાઈને કહ્યું હતું કે ફાસ્ટ ડિલિવરી માટે પાંચ રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે. આથી મયૂરભાઈએ રાહુલની વાત પર વિશ્વાસ કરી દીધો હતો.

રાહુલે મયૂરભાઈના વોટ્સએપમાં એક લિંક મોકલી આપી હતી અને આ લિંક ઓપન કરી પાંચ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. મયૂરભાઈએ રાહુલને કુરિયરની તમામ માહિતી આપી દીધી હતી. બીજા દિવસે મયૂરભાઈના મોબાઈલ પર ખાતામાંથી ડેબિટ થયાનાે મેસેજ આવ્યો હતો. . મયૂરભાઈના ખાતામાંથી ગઠિયાએ કુલ ૧૭.૮૪ લાખ રૂપિયા સેરવી લીધા હતા. મયૂરભાઈ તરત આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને જ્યાં તેમણે રાહુલ શર્મા નામના ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ ના આધારે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.