આંદોલનના 24 દિવસ : 29 આંદોલનકારી ખેડૂતના મોત, આજે શ્રદ્ધાંજલિ દિવસ

દિલ્હીમાં તાપમાન ચાર ડીગ્રીથી પણ ઓછુ છતા આંદોલન કરી રહેલા ખેડૂતો અડીખમ, પરત નહીં જવાનું એલાન

સુપ્રીમ કોર્ટની કમિટીમાં જોડાવંુ કે નહીં તે અંગે આગામી એક-બે દિવસમાં નિર્ણય, બેનિવાલે સંસદીય સમિતી છોડી

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે સંકળાયેલા ૨૯ જેટલા ખેડૂતોએ જીવ ગૂમાવ્યો છે. આંદોલન શરૃ થયું ત્યારથી લઇને અત્યાર સુધી જુદી જુદી ઘટનાઓમાં આ ખેડૂતોએ જીવ ગૂમાવ્યો છે. જેમાં રોડ અકસ્માત, આત્મહત્યા, ઠંડીથી થતા મોત વગેરેનો સમાવેશ થાય છે. બીજી તરફ ખેડૂત સંગઠનોએ માર્યા ગયેલા આ ખેડૂતો માટે રવિવારે શ્રદ્ધાંજલિ દિવસ જાહેર કર્યો છે અને દેશભરમાંથી ખેડૂતો આ ૨૯ ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવશે.

જોકે ખેડૂત સંગઠનોનું કહેવું છે કે અત્યાર સુધીમાં આ આંદોલન સાથે સંકળાયેલા ૩૩ જેટલા ખેડૂતોએ જીવ ગૂમાવ્યો છે. ઓલ ઇન્ડિયા કિસાન સભા દ્વારા આ આંકડા જાહેર કરાયા છે સાથે કહ્યું છે કે રવિવારે શ્રદ્ધાંજલિ દિવસ તરીકે મનાવાશે અને પોતાનો જીવ ગૂમાવનારા ખેડૂતોને દેશના જુદા જુદા વિસ્તારોમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. સાથે જ સંગઠને કહ્યંુ છે કે સુપ્રીમ કોર્ટે આ વિવાદના ઉકેલ માટે કમિટીની રચના કરવાની સલાહ આપી છે, જેમાં ખેડૂતોને પણ સામેલ કરવા કહ્યું છે. આગામી બે કે ત્રણ દિવસમાં આ કમિટીમાં જોડાવું કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

હાલ દિલ્હીમાં તાપમાન ૩.૩ ડીગ્રી સુધી પહોંચી ગયું છે, એવામાં આટલી કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો છેલ્લા ૨૩ દિવસથી દિલ્હીની સિંધુ બોર્ડર પર ધરણા પર બેઠા છે. જેને પગલે ઠંડીને કારણે અનેક ખેડૂતોએ જીવ પણ ગૂમાવ્યો છે. ખેડૂતોને ઠંડીથી બચવા માટે વિવિધ સંસ્થાઓ પણ ગેસ ગીઝર તેમજ ધાબળા વિતરણ કરી મદદ કરી રહી છે. પુરુષોની સાથે મહિલાઓ અને બાળકો પણ આ ધરણામાં જોડાયા છે જેમને હાલ ભારે તકલીફ પડી રહી છે.

બીજી તરફ ભાજપને ફટકો લાગ્યો છે. એનડીએના સાથી પક્ષ આરએલપીના નેતા અને સાંસદ હનુમાન બેનિવાલે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં અને બિલના વિરોધમાં ત્રણ સંસદીય સમિતીમાંથી રાજીનામુ આપી દીધુ છે. બેનિવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે મે વારંવાર ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો અને બિલ પરત લેવા વિનંતી કરી છતા આ માગણીઓ પર સરકારે ધ્યાન ન આપ્યું. આવી સ્થિતિમાં સંસદીય સમિતીઓમાં રહેવું મને યોગ્ય નથી લાગતું તેથી રાજીનામુ આપુ છું. બેનિવાલ ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માટેની સંસદીય સમિતીમાં તેઓ સભ્ય હતા. દરમિયાન હરિણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેઓએ દાવો કર્યો હતો કે આગામી એક કે બે દિવસમાં સમગ્ર વિવાદનો ઉકેલ આવી જશે.




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.