આંદોલનકારીઓ ખાલિસ્તાની-પાકિસ્તાની હોય તો વાટાઘાટો કેમ કરો છો : પી ચિદંબરમ

– ખેડૂતો હોય તો જ વાટાઘાટો કરો, બાકી ન કરો

કેન્દ્રના ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે મોદી સરકારને અણિયાળો સવાલ કરતાં કહ્યું હતું કે મોદી સરકારના પ્રધાનો આંદોલન કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની અને પાકિસ્તાની ગણાવે છે. ખરેખર એવું હોય તો પછી આંદોલનકારીઓ સાથે વાટાઘાટો શું કામ કરો છો.

છેલ્લા 18-19 દિવસથી આંદોલન કરી રહેલા અને દિલ્હીના સીમાડે ડેરો નાખીને બેઠેલા હજારો ખેડૂતોમાં કેટલાક ખાલિસ્તાની અને પાકિસ્તાની પરિબળો ઘુસી ગયા છે એવો આક્ષેપ બે ત્રણ દિવસ પહેલાં કેન્દ્રના રેલવે પ્રધાન પિયૂષ ગોયલ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે પત્રકાર પરિષદમાં કર્યો હતો. એના સંદર્ભમાં પી ચિદંબરમ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે આંદોલન કરનારા લોકોમાં અસામાજિક કે દેશદ્રોહી પરિબળો હોય તો તમે એમની સાથે વાટાઘાટ શા માટે કરો છો. માત્ર ખેડૂતો સાથે વાત કરોને.

પિયૂષ ગોયલે મિડિયાને એમ પણ કહ્યું હતું કે ખેડૂતોના નામે કેટલાક નક્સલવાદીઓ અને ડાબેરીઓ આંદોલન કરી રહ્યા હતા. ગોયલે ટ્વીટર પર લખ્યું હતું કે દેશના લોકો જોઇ રહ્યા છે કે ખેડૂતોના નામે કોણ શું કરી રહ્યું છે. લોકોને સત્ય સમજાય છે. લોકો આ બધાની નોંધ લઇ રહ્યા હશે. ચિદંબરમે એ સામે પણ સવાલ કર્યો હતો.

કેન્દ્રના અન્ય બે પ્રધાનો મુખ્તાર અબ્બાસ નકવી અને રાવસાહેબ દાનવેએ પણ આ આંદોલન હવે ખેડૂતોનું રહ્યું નથી એવાં વિધાનો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ખેડૂતોના નામે કેટલાક રાજકીય પક્ષો પોતાના રોટલા શેકી રહ્યા હતા. આવાં પરિબળો સાથે તમે વાટાઘાટ કેમ કરો છો એવો સવાલ ચિદંબરમે કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.